શું તમે પણ હોટલમાં આધાર કાર્ડની ઝેરોક્ષ આપો છો? સાવધાન! હવે બદલાઈ ગયા છે નિયમો
Aadhaar photocopy new rules: સરકાર ટૂંક સમયમાં એક નવો નિયમ અમલમાં મૂકવાની તૈયારી કરી રહી છે, જે સામાન્ય જનતા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.

Aadhaar photocopy new rules: કેન્દ્ર સરકાર આધાર કાર્ડના દુરુપયોગને રોકવા અને નાગરિકોની પ્રાઈવસી જાળવવા માટે ટૂંક સમયમાં એક મહત્વપૂર્ણ ફેરફાર કરવા જઈ રહી છે. હવે હોટલ, ગેસ્ટ હાઉસ કે કોઈપણ ઈવેન્ટ આયોજકો ગ્રાહકો પાસેથી આધાર કાર્ડની ફિઝિકલ ફોટોકોપી (ઝેરોક્ષ) માંગી શકશે નહીં. તેના બદલે આધાર વેરિફિકેશન માટે અદ્યતન ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવશે. સરકારના આ નિર્ણયથી ડેટા લીક થવાનું જોખમ ઘટશે અને આધાર કાર્ડની ગોપનીયતા વધુ મજબૂત બનશે.
આધાર કાર્ડની ફોટોકોપી લેવા પર ટૂંક સમયમાં મુકાશે પ્રતિબંધ
સરકાર ટૂંક સમયમાં એક નવો નિયમ અમલમાં મૂકવાની તૈયારી કરી રહી છે, જે સામાન્ય જનતા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. અત્યાર સુધી આપણે હોટલમાં ચેક-ઈન કરતી વખતે કે કોઈ પણ મોટા ફંક્શનમાં એન્ટ્રી વખતે આધાર કાર્ડની ફોટોકોપી આપતા હતા, પરંતુ હવે આ પ્રથા બંધ થવા જઈ રહી છે. આધાર એક્ટ મુજબ, કોઈની પણ આધાર ફોટોકોપી સંગ્રહિત કરવી એ કાયદાનું ઉલ્લંઘન છે. તેથી, સરકાર હવે સંસ્થાઓને ફોટોકોપી સ્વીકારવાને બદલે ડિજિટલ વેરિફિકેશન ટેકનોલોજી અપનાવવા માટે સૂચના આપશે.
સંસ્થાઓએ રજીસ્ટ્રેશન કરાવવું પડશે: QR કોડથી થશે તપાસ
UIDAI ના CEO ભુવનેશ કુમારે આ નવી પહેલ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, જે સંસ્થાઓ ગ્રાહકોનું આધાર વેરિફિકેશન કરે છે (જેમ કે હોટલ અને ઈવેન્ટ ઓર્ગેનાઈઝર્સ), તેમણે હવે સિસ્ટમમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. વેરિફિકેશન માટે કાગળનો ઉપયોગ કરવાને બદલે QR કોડ સ્કેન કરીને અથવા નવી આધાર મોબાઈલ એપ્લિકેશન દ્વારા ઓળખની ખરાઈ કરવામાં આવશે. આ નવા નિયમનો મુખ્ય ઉદ્દેશ્ય પેપરલેસ વેરિફિકેશનને પ્રોત્સાહન આપવાનો છે.
નવી એપનું ટેસ્ટિંગ શરૂ: ઓફલાઈન પણ કામ કરશે સિસ્ટમ
UIDAI હાલમાં એક એવી નવી એપનું ટેસ્ટિંગ કરી રહ્યું છે જે વેરિફિકેશન પ્રક્રિયાને વધુ સરળ બનાવશે. આ એપની ખાસિયત એ છે કે તે એપ-ટુ-એપ (App-to-App) વેરિફિકેશનની સુવિધા આપશે, જેના માટે દરેક વખતે સેન્ટ્રલ સર્વર સાથે કનેક્ટ થવાની જરૂર રહેશે નહીં. એરપોર્ટ અને દુકાનો જ્યાં ઉંમરની ખરાઈ કરવાની હોય ત્યાં આ એપ ખૂબ ઉપયોગી થશે. જે સંસ્થાઓને ઓફલાઈન વેરિફિકેશનની જરૂર છે, તેમને સરકાર દ્વારા API (એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઈન્ટરફેસ) આપવામાં આવશે, જેથી તેઓ પોતાના સોફ્ટવેરમાં જ આ સિસ્ટમ ઈન્સ્ટોલ કરી શકશે.
ડેટા ચોરી અને લીક થવાનું જોખમ શૂન્ય થશે
ભુવનેશ કુમારે ભારપૂર્વક જણાવ્યું હતું કે કાગળ સ્વરૂપે આધાર કાર્ડની નકલ સાચવી રાખવામાં ડેટા લીક થવાનું મોટું જોખમ રહેલું હતું. નવી ડિજિટલ પદ્ધતિથી ગોપનીયતા (Privacy) વધુ સુરક્ષિત થશે. તેમણે કહ્યું કે, "વપરાશકર્તાઓની પ્રાઈવસી અમારી પ્રાથમિકતા છે અને આ નવી સિસ્ટમથી આધાર ડેટાનો દુરુપયોગ થવાની શક્યતા નહિવત્ થઈ જશે."
ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટનું સમર્થન
સરકારનો આ નિર્ણય આગામી 'ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ' ને પણ સંપૂર્ણ સમર્થન આપશે, જે આવનારા 18 મહિનામાં દેશભરમાં લાગુ થવાની શક્યતા છે. આ નવી વ્યવસ્થામાં લોકો એપ દ્વારા પોતાના એડ્રેસ પ્રૂફ અપડેટ કરી શકશે. એટલું જ નહીં, જે પરિવારના સભ્યો પાસે મોબાઈલ નથી, તેમને પણ આ એપમાં ઉમેરી શકાશે. આ પગલું 'ડિજિટલ ઈન્ડિયા' મિશનને વધુ વેગવંતું બનાવશે અને નાગરિકોને ખિસ્સામાં આધાર કાર્ડની ઝેરોક્ષ લઈને ફરવાની ઝંઝટમાંથી મુક્તિ અપાવશે.





















