Arunachal Pradesh : ભારતીય સેનાના જવાનોએ ચીની સૈનિકોને દોડાવી દોડાવીને ભગાડ્યા
ભારતીય સેનાની આ કાર્યવાહી એટલી હદે આક્રમક હતી કે ચીની સૈનિકોને ખદેડવા જતા કેટલાક ભારતીય સૈનિકો પણ ચીનની પોસ્ટ સુધી પહોંચી ગયા હતા.
Tawang Clash : અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારતીય સેનાએ ચીની સૈન્યની કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપ્યો હતો. 9 ડિસેમ્બરના રોજ વાસ્તવિક નિયંત્રણ રેખા પર કબજો કરવાના ઈરાદે આવેલા ચીની સૈનિકોને ભારતીય સૈનિકોએ ના માત્ર પાછળ ધકેલી દીધા, પરંતુ તેમને બરાબરનો પાઠ પણ ભણાવ્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચીન તરફથી આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તેવી આશંકા ભારતને પહેલાથી જ હતી. જેથી આ પ્રકારની સ્થિતિને સામનો કરવા ભારતીય સેનાએ પહેલાથી જ તમામ તૈયારીઓ કરી લીધી હતી. પરિણામે ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોનો પીછો કર્યો હતો અને તેમને દોડાવી દોડાવીને ખદેડી દીધા હતાં. ભારતીય સેનાની આ કાર્યવાહી એટલી હદે આક્રમક હતી કે ચીની સૈનિકોને ખદેડવા જતા કેટલાક ભારતીય સૈનિકો પણ ચીનની પોસ્ટ સુધી પહોંચી ગયા હતા.
ભારતીય સેનાના જણાવ્યા પ્રમાણે LACના તવાંગમાં સરહદને લઈને બંને દેશોની જુદી-જુદી માન્યતા છે. 2006થી બંને પક્ષો આ વિસ્તારોમાં પોત પોતાનો દાવો કરતા આવ્યા છે અને જે જે જગ્યાએ દાવો કરવામાં આવે છે ત્યાં સુધી બંને પક્ષોની સેનાઓ પેટ્રોલિંગ કરે છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી ચીનની સેના યાંગત્સે નજીક એલએસી પર ખૂબ જ આક્રમક વલણ અપનાવી રહી છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક અઠવાડિયામાં બેથી ત્રણ એવી પણ ઘટનાઓ ઘટી હતી કે ભારતીય સરહદ તરફ ચીની ડ્રોનને આવતા જોઈ ભારતીય વાયુસેનાએ પણ સરહદ પર પોતાના ફાઈટર જેટ તૈનાત કરવા પડ્યા છે. ચીનને જવાબ આપવા ભારત તરફથી સુખોઈ-30 એરક્રાફ્ટ તૈનાત કરવામાં આવ્યા હતા.
9મી ડિસેમ્બરે તવાંગમાં શું થયું?
- ભારતીય સેનાને પહેલાથી જ ચીન દ્વારા ઉશ્કેરણી અંગે બાતમી મળી ગઈ હતી.
- ભારતીય સેનાએ ચીનની કાર્યવાહીનો જવાબ આપવાની તૈયારીઓ પહેલાથી જ કરી લીધી હતી. ભારતે પહેલાથી જ વધારાના સૈનિકો તૈનાત કર્યા હતા.
- LAC પર યાંગત્સેમાં 300 ચીની સૈનિકો ભારતીય પોસ્ટ પર આવ્યા હતા, ત્યાર બાદ બંને પક્ષો વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન ઝપાઝપી પણ થઈ હતી અને ચીની સૈનિકો દ્વારા પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો.
- ભારતીય સૈનિકોએ તરત જ વધુ સૈનિકોને બોલાવ્યા હતાં જે નજીકમાં તૈનાત હતા અને ઝડપથી અથડામણના સ્થળે પહોંચી ગયાં હતાં.
- ત્યાર બાદ ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોને ઘેરી લીધા હતાં અને તેમના પર હુમલો કર્યો હતો.
- આ દરમિયાન ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોનો સામનો કર્યો હતો અને તેમને પીછેહઠ કરવા મજબૂર કર્યા હતાં. કેટલાક ચીની સૈનિકોને માર પણ મારવામાં આવ્યો હતો.
-આ દરમિયાન ભારતીય જવાનને પણ સામાન્ય ઈજા થઈ હતી. એક સૈનિકના કાંડામાં ફ્રેક્ચર પણ થયું હતું.
- ભારતીય સૈનિકોના વળતા જવાબ બાદ ચીની સૈનિકો પીછેહઠ કરવા મજબુર બન્યા હતાં.
- ભારતીય સૈનિકોએ ચીનીઓનો પીછો કર્યો હતો અને આ દરમિયાન તેમાંથી કેટલાકને પકડી પણ લેવાયા હતાં.
-50 ભારતીય સૈનિકોનું એક જૂથ છેક ચીનની ચોકી નજીક પહોંચી ગયું હતું.
-ભારતીય જવાનોને જોઈને ચીને હવાઈ ફાયરિંગ પણ કર્યું હતું.
- ત્યાર બાદ બંને પક્ષોએ લાઉડ સ્પીકર પર એકબીજાને ચેતવણી આપી હતી. ભારતીય સૈનિક ચેતવણી આપી પોતાના વિસ્તારમાં પાછા આવી ગયા હતા.
- બે દિવસ બાદ 11 ડિસેમ્બરે, સ્થાનિક કમાન્ડરે ચીની સમકક્ષ સાથે ફ્લેગ મીટિંગ કરી હતી. બેઠકમાં ભારતીય પક્ષે ચીનને પ્રોટોકોલનું પાલન કરવાની ચેતવણી આપી હતી.
- ચીની પક્ષનું કહેવું છે કે, ભારતીય પોસ્ટ નિર્ધારિત પ્રક્રિયાઓનું ઉલ્લંઘન કરી રહી છે.
- શાંતિપૂર્ણ પેટ્રોલિંગની અપીલ કરતા ભારતે કહ્યું હતું કે, કોઈપણ ઉશ્કેરણીનો બળપૂર્વક જવાબ આપવામાં આવશે.
9 ડિસેમ્બરે અરુણાચલના તવાંગ સેક્ટરમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. સુનિયોજિત ષડયંત્ર અંતર્ગત 300 ચીની સૈનિકો યાંગત્સે વિસ્તારમાં ભારતીય ચોકીને હટાવવા ધસી આવ્યા હતા. ચીની સૈનિકો પાસે કાંટાળા તાર બાંધેલી લાકડીઓ અને ડંડા હતા. પરંતુ ભારતીય સૈનિકોએ તુરંત જ મોર્ચો સંભાળી લીધો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચીની સૈનિકો પોસ્ટ હટાવવા માટે જ આવ્યા હતાં. સૂત્રોના જણાવ્યા અનુસાર આ અથડામણમાં વધુ ચીની સૈનિકો વધુ પ્રમાણમાં ઘાયલ થયા હતાં.