બાળકના જન્મ પ્રમાણપત્ર માટે માતા અને પિતા બંનેએ તેમનો ધર્મ જણાવવો પડશે, જાણો શું છે દત્તક લેવાના નિયમો
સરકારી પોર્ટલ સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમ પર બાળકના જન્મ સંબંધિત ડેટા ડિજિટલી ઉપલબ્ધ થશે. આ ડિજિટલ પ્રમાણપત્રનો ઉપયોગ પ્રવેશ અને અન્ય સ્થળોએ જન્મતારીખના પુરાવા તરીકે કરી શકાય છે.
Birth Certificate: હવે બાળકના જન્મ સમયે માતા અને પિતા બંનેએ તેમના ધર્મની નોંધણી કરાવવી પડશે. બાળકના જન્મ પ્રમાણપત્રમાં માતા અને પિતા બંને માટે તેમના ધર્મની જાહેરાત કરવી ફરજિયાત બની ગઈ છે. તેમજ બાળક દત્તક લીધા બાદ પણ બંનેએ પોતાનો ધર્મ રજીસ્ટર કરાવવો પડશે. આ ફેરફારો કેન્દ્રીય ગૃહ મંત્રાલયના મોડલ નિયમો હેઠળ કરવામાં આવી રહ્યા છે. જન્મ અને મૃત્યુને રેકોર્ડ કરવા માટે રાષ્ટ્રીય સ્તરનો ડેટા સ્થાપિત કરવામાં આવશે, જે ડિજિટલ રીતે ઉપલબ્ધ થશે.
આ ડેટાનો ઉપયોગ આધાર કાર્ડ, પ્રોપર્ટી રજીસ્ટ્રેશન, રેશન કાર્ડ, મતદાર યાદી, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ અને નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર (NPR) જેવા મહત્વના દસ્તાવેજો જાળવવા માટે પણ કરવામાં આવશે. અત્યાર સુધીના નિયમો હેઠળ માત્ર પરિવારના ધર્મનો રેકોર્ડ લેવામાં આવે છે. ધ હિંદુના અહેવાલ મુજબ, ગયા વર્ષે 11 ઓગસ્ટના રોજ, જન્મ અને મૃત્યુની નોંધણી (સંશોધન) અધિનિયમ, 2023 સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો અને બંને ગૃહોએ તેને અવાજ મતથી પસાર કર્યો હતો. નવા નિયમ હેઠળ બર્થ સર્ટિફિકેટ - બર્થ રિપોર્ટના ફોર્મ નંબર 1માં વધુ એક કૉલમ ઉમેરવામાં આવી છે, જેમાં નવજાત બાળકના માતા-પિતાના ધર્મ સંબંધિત ડેટા દાખલ કરવામાં આવશે.
નવો નિયમ ગયા વર્ષની 1 ઓક્ટોબરથી અમલમાં આવ્યો છે. હવે જન્મ અને મૃત્યુ સંબંધિત સંપૂર્ણ ડેટા સરકારી પોર્ટલ સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (crsorgi.gov.in) પર ડિજિટલી ઉપલબ્ધ થશે. શાળા, કોલેજ અથવા કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ સહિતની વિવિધ બાબતો માટે જન્મતારીખના પુરાવા માટે આ ડિજિટલ પ્રમાણપત્ર જ પૂરતું હશે.
જન્મ અને મૃત્યુ (સુધારા) અધિનિયમ, 2023 હેઠળ, રજિસ્ટર જનરલ ઓફ ઈન્ડિયા (RGI) હેઠળ રાષ્ટ્રીય સ્તરે જન્મ અને મૃત્યુનો ડેટા જાળવવો જરૂરી રહેશે. મુખ્ય રજિસ્ટ્રાર અને રજિસ્ટ્રાર માટે પણ આ ડેટા શેર કરવો ફરજિયાત રહેશે. RGI ને રાજ્ય સરકારો દ્વારા નિયુક્ત મુખ્ય રજીસ્ટ્રારોની પ્રવૃત્તિઓનું સંકલન અને એકીકરણ કરવા પગલાં ભરવા માટે સત્તા આપવામાં આવી છે.