Ghulam Nabi Azad: કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ગુલામ નબી આઝાદનું શું હશે આગામી પગલું, જાણો
વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે શુક્રવારે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપતી વખતે તેમણે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ટીકા કરી હતી.
Ghulam Nabi Azad New Party: વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે શુક્રવારે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપતી વખતે તેમણે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ટીકા કરી હતી. દરમિયાન સૂત્રોએ જણાવ્યું છે કે ગુલામ નબી આઝાદ નવી પાર્ટી બનાવી શકે છે. જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે કહ્યું કે તેઓ તેમની પાર્ટીને તેમના ગૃહ મતવિસ્તારમાંથી લોન્ચ કરવા માંગે છે.
થોડા દિવસો પહેલા ગુલામ નબી આઝાદે પણ જમ્મુ-કાશ્મીર કોંગ્રેસ પ્રચાર સમિતિના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે તેઓ ટૂંક સમયમાં કોંગ્રેસને અલવિદા કહી દે છે. જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષના અંત સુધીમાં ચૂંટણી યોજાઈ શકે છે.
આ લોકોએ ગુલામ નબીના સમર્થનમાં રાજીનામું આપ્યું હતું
આઝાદના નજીકના સૂત્રોનું કહેવું છે કે તેઓ જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી પહેલા પ્રદેશમાં પોતાની હાજરી દર્શાવવા આતુર છે. ગુલામ નબી આઝાદે કોંગ્રેસ છોડ્યા પછી ઘાટીના અન્ય ઘણા કોંગ્રેસી નેતાઓએ પાર્ટી છોડી દીધી. ભૂતપૂર્વ ધારાસભ્યો જીએમ સરોરી, હાજી અબ્દુલ રશીદ, મોહમ્મદ અમીન ભટ, ગુલઝાર અહેમદ વાની અને ચૌધરી મોહમ્મદ અકરમે ગુલામ નબી આઝાદના સમર્થનમાં કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું આપ્યું હતું. આ સિવાય કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી આરએસ ચિબે પણ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.
આગામી સમયમાં કાશ્મીરમાં ચૂંટણીઓ યોજાવાની છે. હવે એવા સમયે ગુલામ નબી આઝાદે રાજીનામું આપતા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે, ગુલામ નબી આઝાદનું કાશ્મીરમાં ઘણું વર્ચસ્વ છે.
ગુલામ નબી આઝાદ લાંબા સમયથી કોંગ્રેસથી નારાજ હતા. તેઓ કોંગ્રેસના નારાજ નેતાઓના G-23 જૂથમાં પણ સામેલ હતા. G-23 જૂથ સતત કોંગ્રેસમાં ઘણા ફેરફારોની માંગ કરી રહ્યું છે. આ પહેલા કોંગ્રેસના અન્ય વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. સપાએ તેમને રાજ્યસભામાં પણ મોકલ્યા છે.
ગુલામ નબી આઝાદની નારાજગી ત્યારે સામે આવી જ્યારે તેમણે પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવ્યાના કલાકો બાદ જ પદ પરથી રાજીનામું આપ્યું. સોનિયા ગાંધી ઈચ્છતા હતા કે કોંગ્રેસ આઝાદના નેતૃત્વમાં જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી લડે. તેથી જ તેમને ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. પરંતુ ગુલામ નબીએ પદ મળ્યાના થોડા કલાકો બાદ રાજીનામું આપી દીધું હતું. ત્યારથી રાજકીય વર્તુળોમાં તેમના વિશે અનેક અટકળો લગાવવામાં આવી રહી હતી.
કોંગ્રેસ પર છેતરપિંડીનો આરોપ
કોંગ્રેસે પક્ષના પ્રાથમિક સભ્યપદ સહિત તમામ હોદ્દા પરથી ગુલામ નબી આઝાદના રાજીનામાને "દુર્ભાગ્યપૂર્ણ અને દુઃખદ" ગણાવ્યું, પરંતુ સાથે જ આરોપ લગાવ્યો કે આઝાદે પાર્ટી સાથે દગો કર્યો અને તેમનું રિમોટ કંટ્રોલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે હતું. પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે શુક્રવારે આઝાદ પર પ્રહાર કરતા એમ પણ કહ્યું હતું કે 'GNA' (ગુલામ નબી આઝાદ)નો DNA 'મોદી-મે' બની ગયો છે. તેમણે કહ્યું કે પૂર્વ કેન્દ્રીય મંત્રીએ આ પગલું એવા સમયે ઉઠાવ્યું જ્યારે કોંગ્રેસ મોંઘવારી, બેરોજગારી અને ધ્રુવીકરણ સામે લડી રહી છે અને રાજીનામા પત્રમાં જે વાતો કહેવામાં આવી છે તે હકીકત નથી, તેનો સમય પણ યોગ્ય નથી.