Odisha : મૃતદેહો રાખવા જગ્યા ખુટી પડી, શાળા-કોલ્ડ સ્ટોરેજમાં લાશોના ઢગલા, ભયાનક નજારો
અકસ્માત બાદ સંબંધીઓ તેમના પ્રિયજનોની શોધમાં હોસ્પિટલો અને શબઘરોની મુલાકાત લઈ રહ્યા છે. જ્યારે ડઝનેક મૃતદેહો હજી પણ એવા છે કે જેની ઓળખ થઈ શકી નથી.
School and Cold Storage Become Mortuary : ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનાને બે દિવસ વીતી ગયા છે. ઘટનાસ્થળે 2 દિવસથી સતત 24 કલાક રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. બે દિવસ બાદ ટ્રેનની બોગીમાં ફસાયેલા તમામ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. આ અકસ્માતમાં 275 લોકોના મોત થયા છે, જ્યારે ઘાયલોની સંખ્યા 1100થી વધુ છે. હોસ્પિટલોમાં લાવારસ લાશોના ઢગલા થયા છે. સ્થિતિ એ હદે ભયાવહ બની છે કે, હોસ્પિટલોના શબઘરોમાં મૃતદેહો રાખવા હવે જગ્યા જ નથી. મૃતદેહોની સંખ્યાને જોતા શાળા અને કોલ્ડ સ્ટોરેજને મોર્ગરૂમ એટલે કે મડદા ઘરમાંમાં ફેરવી દેવામાં આવ્યા છે.
અકસ્માત બાદ સંબંધીઓ તેમના પ્રિયજનોની શોધમાં હોસ્પિટલો અને શબઘરોની મુલાકાત લઈ રહ્યા છે. જ્યારે ડઝનેક મૃતદેહો હજી પણ એવા છે કે જેની ઓળખ થઈ શકી નથી. મૃતદેહોને બાલાસોરની બહાના હાઈસ્કૂલમાં પણ રાખવામાં આવ્યા છે. અહીં મૃતદેહોને ક્લાસરૂમમાં રાખવામાં આવ્યા છે કે, જ્યાં વિદ્યાર્થીઓ બેસીને અભ્યાસ કરે છે. જે મૃતદેહોની ઓળખ થઈ રહી છે તે તેમના સંબંધીઓને સોંપવામાં આવી રહી છે. મૃતદેહોની તસવીરો પણ જાહેર કરવામાં આવી છે, જેને જોઈને લોકો પોતાના પ્રિયજનોને ઓળખી રહ્યા છે.
187 મૃતદેહોને ભુવનેશ્વર ખસેડવામાં આવ્યા
અકસ્માત બાદ બાલાસોરના શબઘરમાં જગ્યાના અભાવને કારણે ઓડિશા સરકારે જિલ્લા મુખ્યાલય બાલાસોરથી 187 મૃતદેહોને ભુવનેશ્વર ખસેડ્યા હતા. જો કે, અહીં પણ જગ્યાની અછતને કારણે વહીવટીતંત્ર માટે શબઘરની વ્યવસ્થા કરવી મુશ્કેલ બની રહી છે. તેમાંથી 110 મૃતદેહોને ભુવનેશ્વર AIIMSમાં રાખવામાં આવ્યા છે. જ્યારે બાકીના મૃતદેહોને કેપિટલ હોસ્પિટલ, આમરી હોસ્પિટલ, સમ હોસ્પિટલ વગેરેમાં રાખવામાં આવ્યા છે.
એઈમ્સના શબઘરમાં લગભગ ત્રણ ગણા મૃતદેહો રાખવામાં આવ્યા
AIIMS ભુવનેશ્વરના એક અધિકારીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, અહીં મૃતદેહોને સુરક્ષિત રાખવા એ અમારા માટે પણ એક વાસ્તવિક પડકાર છે. કારણ કે અમારી પાસે વધુમાં વધુ 40 મૃતદેહો રાખવાની જ સુવિધા છે. AIIMS સત્તાવાળાઓએ મૃતદેહોની ઓળખ ન થાય ત્યાં સુધી તેને સાચવવા માટે શબપેટીઓ, બરફ અને ફોર્મલિન રસાયણ મંગાવવા પડ્યાં છે. તેવામાં ભારે ગરમી માથાનો દુ:ખાવો સાબિત થઈ રહી છે. ગરમીના કારણે મૃતદેહોને સાચવવા એક પડકાર બન્યો છે.
'મૃતદેહો કોલ્ડ સ્ટોરેજમાં રાખવાની વ્યવસ્થા'
ઓડિશાના આરોગ્ય અને પરિવાર કલ્યાણ સચિવ શાલિની પંડિતે ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, તમામ મૃતદેહોને કોલ્ડ સ્ટોરેજ સિસ્ટમમાં રાખવામાં આવ્યા છે. (મોર્ગની અછતને કારણે)." તેમને સ્વિકાર કર્યો હતો કે, મૃતદેહોની ઓળખ એ વહીવટીતંત્ર માટે એક મોટો પડકાર છે કારણ કે, પીડિતો વિવિધ રાજ્યોના હતા. તો મુખ્ય સચિવે કહ્યું હતું કે, રાજ્ય સરકારે વિશેષ રાહત કમિશનર (એસઆરસી), ભુવનેશ્વર મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) અને ઓડિશા રાજ્ય પાસેથી વિશેષ પ્રયાસો કર્યા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (OSDMA)એ ત્રણ વેબસાઇટ પર મુસાફરોની વિગતો અપલોડ કરી છે. ઓળખની સુવિધા માટે મૃત મુસાફરોની યાદી અને ફોટોગ્રાફ પણ વેબસાઈટ પર અપલોડ કરવામાં આવી રહ્યાં છે.
સ્વજનોની શોધમાં આમ તેમ ભટકતા પરિજનો
અકસ્માત બાદ અલગ-અલગ જગ્યાએથી લોકો પોતાના પ્રિયજનોની શોધમાં બાલાસોર પહોંચી રહ્યા છે. રાહત કાર્ય પૂર્ણ થયા બાદ હવે પરિવારજનો હોસ્પિટલથી શબઘર સુધી જઈને પોતાના પ્રિયજનોને શોધી રહ્યા છે. કોરોમંડલ એક્સપ્રેસમાં મુસાફરી કરનાર બિહારના સીતામઢીના રહેવાસી મનોજ કુમાર સાહનીના સંબંધીઓ પણ રવિવારે બાલાસોર પહોંચ્યા હતા. તેના ભાઈઓ સુનીલ કુમાર સાહની અને દિલીપ સાહની તેની શોધમાં ઓડિશામાં એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલમાં ભટકતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત પણ આવા હ્યદય કંપાવી નાખતા અનેક કિસ્સા સામે આવી રહ્યાં છે.