Weather Today: પહાડોમાં બરફવર્ષાથી ઠંડીનો ચમકારો વધ્યો, આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ
પહાડોમાં સતત થઈ રહેલી બરફવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં દેખાવા લાગી છે. દિલ્હી-એનસીઆરથી લઈને યુપી, પંજાબ અને હરિયાણા સુધી ઠંડી વધવા લાગી છે.
Weather Update Today : પહાડોમાં સતત થઈ રહેલી બરફવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં દેખાવા લાગી છે. દિલ્હી-એનસીઆરથી લઈને યુપી, પંજાબ અને હરિયાણા સુધી ઠંડી વધવા લાગી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસમાં ઠંડીનું પ્રમાણ વધુ વધી શકે છે. દેશના અનેક રાજ્યોમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે.
રાજધાની દિલ્હીમાં ઠંડા પવનોને કારણે ઠંડી વધી ગઈ છે. પહાડો પરથી પડી રહેલી ઠંડીને કારણે મેદાની વિસ્તારોમાં તાપમાનનો પારો ગગડવા લાગ્યો છે. IMD અનુસાર, આગામી દિવસોમાં દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી અને મહત્તમ તાપમાન 23 ડિગ્રી સુધી જઈ શકે છે.
પંજાબ અને હરિયાણામાં કોલ્ડવેવના કારણે ઠંડીમાં વધારો થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં બંને રાજ્યોમાં ધુમ્મસ અને વાદળો છવાયેલા રહેવાની સંભાવના છે.
બિહારમાં પણ ઠંડા પવનોને કારણે ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે. સવારે અને સાંજે ઠંડીનું મોજું અનુભવાય છે. યુપીમાં પણ આવી જ સ્થિતિ છે અને અહીં ધુમ્મસના કારણે લોકોની મુશ્કેલી વધવા લાગી છે. ઉત્તરપ્રદેશમાં પણ તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો ચમકારો વધી રહ્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં હળવા વરસાદની શક્યતા છે. કેરળ અને તમિલનાડુના અનેક વિસ્તારોમાં વરસાદને કારણે પારો પણ નીચે જશે. તમિલનાડુમાં પણ વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
અંબાલાલ પટેલે ગુજરાતમાં માવઠાની આગાહી કરી
ગુજરાતમાં ફરી એકવાર માવઠાનું સંકટ તોળાઇ રહ્યું છે. હવામાન એક્સપર્ટ અને આગાહીકાર અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી એકવાર શિયાળામાં માવઠું થવાની આગાહી કરી છે, અંબાલાલે આગાહી કરતાં જણાવ્યુ છે કે, ડિેસેમ્બર મહિનામાં 22 થી 24ની વચ્ચે જોરદાર કમોસમી વરસાદ થવાની પુરેપુરી શક્યતા છે, અને જાન્યુઆરી મહિનો એકદમ ઠંડો રહેવાની વાત કરી છે.
આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યુ છે કે, ગુજરાતમાં ફરી એકવાર ડિસેમ્બર મહિનામાં માવઠુ થશે. તેમને જણાવ્યુ કે, ડિસેમ્બર મહિનાના અંતમાં અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં જોરદાર હલચલ જોવા મળશે અને તેની અસર ગુજરાત પર પડશે. આ હલચલ લૉ પ્રેશરથી ડીપ ડિપ્રેશન સુધી જવાની પુરેપુરી સંભાવના છે. આ તમામ પ્રક્રિયાના કારણે આગામી 22 થી 24 ડિસેમ્બર દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા છે. આની સાથે સાથે 27 થી 29 તારીખમાં દક્ષિણ ભારતમાં હવામાનમાં પલટો આવશે અને વરસાદ પડશે.