Rajkot: રાજકોટમાં બની હિટ એન્ડ રનની ઘટના, ટ્રક ચાલકે ટક્કર મારતા વિદ્યાર્થીનીનું મોત
Rajkot: રાજકોટમાં નવા 150 ફૂટ રિંગ રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી
Rajkot: રાજકોટમાં નવા 150 ફૂટ રિંગ રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. ટ્રક ચાલકે ટુ-વ્હીલરને ટક્કર મારતા એક વિદ્યાર્થીનીનું મોત થયું હતું જ્યારે ગંભીર રીતે ઘાયલ અન્ય યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રક ચાલકે ટુ વ્હીલરને હડફેટે લીધું હતું. જેમાં હેત્વી મોરડીયા નામની યુવતીનું મોત નિપજ્યું હતું. જ્યારે જીનીતા નામની અન્ય યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાથી સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. જો કે ટ્રક ચાલક ટ્રક મુકી ફરાર થઇ ગયો હતો. હાલ તો પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
સ્થાનિકો જણાવ્યા અનુસાર, બિસ્માર રસ્તાઓને લીધે વારંવાર અકસ્માત સર્જાય છે. પ્રશાસન તરફથી કોઈ કામગીરી કરવામાં આવતી નથી. અધિકારીઓ ફક્તને ફક્ત શિફ્ટની વાતો કરતા રહ્યા છે. સ્થાનિકોએ કહ્યું હતું કે અકસ્માત થયાના બે કલાક બાદ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બે કલાક સુધી મૃતદેહ રસ્તા પર પડ્યો રહ્યો હતો.
નોંધનીય છે કે શહેરમાં ખરાબ રોડ રસ્તાને લઈને અનેક વખત ફરિયાદો ઉઠી ચૂકી છે. આ મામલે સ્થાનિકોએ ઘણીવાર રજુઆતો પણ કરી છે. પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી. હવે હાઇવે પર ખાડાનાં કારણે વધુ એકનું મોત થયું છે. આજીડેમથી કોઠારીયા ચોકડી તરફ જવાના પુલ પર અક્સ્માત સર્જાયો હતો.
ખાડા અને હાઇવે પર રેતીના કારણે અકસ્માત સર્જાયો હતો. ખાડા અને રેતીના કારણે બાઈક પરથી કાબુ ગુમાવતા ચાલક નીચે પટકાયો હતો. જેના કારણે તેને ગંભીર ઈજા પહોંચી હતી. સાવન હેમંતભાઈ ખાતરાણી નામના યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આશાસ્પદ યુવાન મૂળ લતીપર ગામનો વતની હતો. આમ રાજકોટનાં બિસ્માર રસ્તાને કારણે યુવાનને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. યુવકના મોતને પગલે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે.
ગોંડલ ચોકડી સુધીના હાઇવે પર ખાડા અને રેતીની ભરમાર છે. તેમજ બેડી ચોકડીથી અમદાવાદ તરફ જવાનો હાઇવે પણ બિસ્માર હાલતમાં છે. ખાડાનાં કારણે લોકોનાં જીવ જઈ રહ્યા છે