India : જો ભારત ના હોત તો દુનિયાભરમાં મચ્યો હોત હાહાકાર : જાપાનના સમાચારપત્રનો દાવો
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ન તો યુરોપ કે ન તો G-7 દેશો તેમની અર્થવ્યવસ્થામાં ભારતના યોગદાનને સ્વીકારવા માગે છે.
Russia-Ukrain War : યુક્રેનમાં યુદ્ધ ફેબ્રુઆરી 2022થી એટલે કે છેલ્લા એક વર્ષ કરતા વધારે સમયથી ચાલુ છે. આ યુદ્ધ બાદ દુનિયાને લાગવા લાગ્યું હતું કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જે સપનું જોયું હતું તે કદાચ સાકાર થઈ જશે. યુક્રેન યુદ્ધને કારણે યુરોપ મોટા ઉર્જા સંકટમાંથી પસાર થયું. ગેસથી લઈને તેલ સુધી બધું મોંઘું થઈ ગયું છે અને દરેક દેશમાં મોંઘવારી આસમાને પહોંચી ગઈ છે. ભારતને રશિયા પાસેથી સસ્તું તેલ કેમ મળતું હતું તે અંગે યુરોપને પણ ઘણો વાંધો હતો. પરંતુ ભારતના કારણે આખી દુનિયા રીતસરની બચી ગઈ. આ વાત ખુદ જાપાનના નિક્કી એશિયાના અહેવાલમાં જણાવવામાં આવી છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ન તો યુરોપ કે ન તો G-7 દેશો તેમની અર્થવ્યવસ્થામાં ભારતના યોગદાનને સ્વીકારવા માગે છે. પરંતુ અખબારના મતે એ સત્ય સ્વીકારવું જોઈએ કે ક્યાંકને ક્યાંક ભારતને કારણે તેમની અર્થવ્યવસ્થાઓ બચી ગઈ અને પુતિનનું તેમને બરબાદ કરવાનું સપનું ચકનાચૂર થઈ ગયું.
યુરોપના પ્રતિબંધો નિરર્થક
યુરોપના ઘણા દેશો હંમેશા એ વાતને લઈને ચિંતિત રહ્યા છે કે, તેના દ્વારા રશિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધો સંપૂર્ણપણે બિનઅસરકારક રહ્યા છે. આ પ્રતિબંધો બાદ પણ ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું યથાવત રાખે છે. યુક્રેન યુદ્ધને લઈને યુરોપ અને ભારત વચ્ચેના મતભેદો સૌકોઈની સામે છે. યુરોપિયન યુનિયન (EU)ના ફોરેન પોલિસીના ચીફ જોસેફ બોરેલે થોડા દિવસો પહેલા કહ્યું હતું કે, ભારત રશિયાથી આવતા તેલને રિફાઇન કરીને વેચી રહ્યું છે તે બાબતે સંગઠને કડક વલણ અપનાવવું પડશે. બોરેલને આ મામલે મુશ્કેલી પડી શકે છે, પરંતુ નિક્કીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ રિફાઈન્ડ ઓઈલના કારણે જ EUને ઘણી મદદ મળી છે.
ભારત યુરોપને વેચે છે તેલ
યુરોપની અર્થવ્યવસ્થાઓ હાલમાં ભારે દબાણ હેઠળ છે. યુદ્ધના કારણે તેમની પાસે નિયમો કડક કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. નિષ્ણાતોનું માનીએ તો ભારતની મદદથી યુરોપને મજબૂતી મળી રહી છે. રશિયાથી આવતું તેલ હજી પણ યુરોપની કારોને પાવર આપી રહ્યું છે. EUએ ડિસેમ્બર 2022માં રશિયાથી તેલની આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો. પરંતુ રિફાઈન્ડ ઓઈલ પરનો આ પ્રતિબંધ બે મહિના પછી અમલમાં આવ્યો. આ નિયમ બાદ પણ ભારતને સસ્તા રશિયન ક્રૂડ ઓઈલ વેચતા અટકાવી શકાયું નહીં. ભારત ક્રૂડને ડીઝલમાં રૂપાંતરિત કરે છે અને ગુણવત્તાના સ્તરે યુરોપમાં પાછું મોકલે છે. કેપ્લર એનાલિટીકલ ફર્મ અનુસાર, ભારત હવે યુરોપનું સૌથી મોટું ઓઈલ સપ્લાયર બનવાની તૈયારીમાં છે.
ભારતની મોટી ભૂમિકા
નિક્કી એશિયાના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, G7 દેશો અને EU બંને જાણતા હતા કે ભારત જે કરી રહ્યું છે તે યોગ્ય નથી. પરંતુ તેમ છતાં તેણે ઘણા પ્રશ્નો ઉભા ના કર્યા. EU અને G-7 દેશોએ ભારતને તે કરવાની મંજૂરી આપી જે તેના માટે ફાયદાકારક હતું. યુક્રેન પરના હુમલાને કારણે તેલના ભાવ પ્રતિ બેરલ $200 સુધી જવાની ધારણા હતી. પરંતુ $120 પર આવ્યા બાદ કિંમતો ઘટીને $70ની આસપાસ થઈ ગઈ. જાપાન ઓર્ગેનાઈઝેશન ફોર મેટલ્સ એન્ડ એનર્જી સિક્યોરિટીના રિસર્ચ હેડ મિકા ટેકહારાએ જણાવ્યું હતું કે, લાગે છે વર્ષ કે ગત એક વર્ષ કરતા પણ વધુ સમયથી આ સિદ્ધાંતની કસોટી થઈ હોય તેવું લાગે છે કે શું ગંભીર ભૌગોલિક રાજકીય ઉથલપાથલ વૈશ્વિક તેલ બજારને અસર કરે છે. તેમના મતે, ભારત વગર આ પરીક્ષણ સફળ થઈ શક્યું ના હોત.
કટોકટી અટકાવવામાં ભારત અસરકારક
તેમનું માનવું છે કે, G7 અને EU જાહેરમાં ભારતના યોગદાન અને તેની ભૂમિકાને જાહેરમાં સ્વીકારી શકે નહીં. પરંતુ એ વાતને નકારી શકાય નહીં કે, ભારતના કારણે જ યુરોપ અને અન્ય દેશોમાં વૈશ્વિક આર્થિક સંકટને કાબુમાં લઈ શકાયું હતું. આ સંકટને કાબુમાં લેવામાં ભારતે મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે કહ્યું હતું કે, ભારતે ક્યારેય આ ભૂમિકા માટે માંગ કરી નથી, પરંતુ વ્યૂહાત્મક સ્વાયત્તતાની વિચારસરણીને કારણે પીએમ મોદી દ્વારા લેવામાં આવેલા નિર્ણયની અસર હવે દેખાઈ રહી છે.