Israel-Hamas War: ગાઝા હોસ્પિટલ પછી હવે ચર્ચ પર હુમલો, અનેકના મોત; હમાસે ઈઝરાયેલને જવાબદાર ગણાવ્યું
જે ચર્ચ પરિસરમાં હુમલો થયો ત્યાં મોટી સંખ્યામાં લોકો આશ્રય લઈ રહ્યા હતા. ગાઝાના નાગરિકોને આ ચર્ચમાં આશરો લેવા માટે કહેવામાં આવ્યું હતું. આ વિસ્ફોટ ગાઝા શહેરમાં સ્થિત ગ્રીક ઓર્થોડોક્સ ચર્ચમાં થયો હતો.
Israel-Hamas War: ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો આજે 14મો દિવસ છે. 7 ઓક્ટોબરે હમાસ દ્વારા મિસાઈલ અને ગ્રાઉન્ડ એટેક બાદ ઈઝરાયેલે ગાઝા પર હુમલો કર્યો છે. ઇઝરાયેલ ગાઝા પર બોમ્બમારો ચાલુ રાખ્યો છે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં લગભગ પાંચ હજાર લોકોના મોત થયા હતા. દરમિયાન ગાઝાએ ઈઝરાયેલ પર ચર્ચના પરિસરમાં હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. હમાસ-નિયંત્રિત ગૃહ મંત્રાલયનું કહેવું છે કે ગુરુવારે મોડી રાત્રે થયેલા હુમલામાં ગાઝા પટ્ટીમાં એક ચર્ચમાં આશ્રય મેળવતા અનેક લોકો માર્યા ગયા હતા. મંત્રાલયે કહ્યું કે ગ્રીક ઓર્થોડોક્સ ચર્ચના પરિસરમાં થયેલા હુમલામાં મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા છે. ઘણા ઘાયલ પણ થયા છે.
કહેવામાં આવી રહ્યું છે કે જે ચર્ચ પરિસર પર હુલમો થયો ત્યાં મોટી સંખ્યામાં લોકો આશ્રય લઈ રહ્યા હતા. ગાઝાના નાગરિકોને આ ચર્ચમાં આશરો લેવા માટે કહેવામાં આવ્યું હતું. આ વિસ્ફોટ ગાઝા શહેરમાં સ્થિત ગ્રીક ઓર્થોડોક્સ ચર્ચમાં થયો હતો. AFPએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે આ હુમલો પૂજા સ્થળની નજીક નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો, જ્યાં પેલેસ્ટિનિયન વિસ્તારમાં યુદ્ધ ફાટી નીકળવાના કારણે ગાઝાના ઘણા રહેવાસીઓએ આશ્રય લીધો હતો.
આ પહેલા મંગળવારે ગાઝાની અલ-અહલી હોસ્પિટલમાં વિસ્ફોટ થયો હતો, જેમાં 500થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ હુમલા માટે હમાસ અને ઈઝરાયેલ એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે. ઈઝરાયેલે કહ્યું છે કે તે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ને પુરાવા આપશે કે આ હુમલો ઈઝરાયેલ દ્વારા કરવામાં આવ્યો નથી. ઈઝરાયેલે દાવો કર્યો છે કે 'ઈસ્લામિક જેહાદ' દ્વારા છોડવામાં આવેલ રોકેટ ખોટી દિશામાં ગયું હતું અને આ ઘટના બની હતી.
7 ઓક્ટોબરે હમાસના હુમલાથી શરૂ થયેલા આ યુદ્ધમાં અત્યાર સુધીમાં પાંચ હજારથી વધુ લોકોના મોત થયા છે. હમાસના હુમલામાં 1400થી વધુ ઈઝરાયેલના લોકોના મોત થયા છે. તે જ સમયે, ગાઝા પટ્ટીમાં લગભગ 3,478 લોકોના મોત થયા છે.
હમાસની માંગ છે કે આંતરરાષ્ટ્રીય સમુદાય આ ઘટનાની નિંદા કરે. ધર્મસ્થાનોમાં આશરો લેતા નાગરિકો પરના હુમલા એ ફાસીવાદી આક્રમણ છે. આ બંધ થવું જોઈએ. દરમિયાન, આ હુમલાને લઈને ઈઝરાયેલ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.