Duleep Trophy 2024: સંજુ સેમસનનો દુલીપ ટ્રોફીમાં દબદબો, સદી ફટકાર્યા બાદ બીજી ટેસ્ટ માટે દાવો
Sanju Samson Hundred: ઈન્ડિયા ડી તરફથી રમતા સંજુ સેમસને શાનદાર સદી ફટકારી છે. તેણે 100થી વધુના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી હતી.
Sanju Samson Hundred Duleep Trophy 2024: સંજુ સેમસને દુલીપ ટ્રોફી 2024માં પોતાની ફર્સ્ટ-ક્લાસ કારકિર્દીની 11મી સદી ફટકારીને ભારતીય ટીમમાં પસંદગી માટેનો પોતાનો દાવો મજબૂતીથી દાખવ્યો છે. સેમસને ઈન્ડિયા ડી તરફથી રમતી સદી ફટકારી હતી અને તે કેરળના ખેલાડીઓ દ્વારા સૌથી વધુ સદી ફટકારવાના મામલે ત્રીજા સ્થાને આવી ગયો છે. સચિન બેબી 18 સદી અને રોહન પ્રેમ 13 સદી સાથે તેનાથી આગળ છે.
સંજુ સેમસને પોતાની સદી 95 બોલમાં પૂરી કરી હતી, જેમાં 12 ફોર અને 3 સિક્સ સામેલ હતી. એ જ મેચમાં ઈન્ડિયા ડીના કેપ્ટન શ્રેયસ અય્યર શૂન્યના સ્કોર પર આઉટ થયો હતો, પરંતુ સેમસને તકનો પૂરો ફાયદો ઉઠાવ્યો અને 100થી વધુના સ્ટ્રાઈક રેટથી રમતા ઈન્ડિયા બીના બોલરોને પછાડી દીધા. બીજા દિવસે સેમસનની ઇનિંગ્સ 106 રનના સ્કોર પર સમાપ્ત થઇ હતી. નવદીપ સૈનીએ તેને નીતિશ કુમારના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.
સેમસન રિપ્લેસમેન્ટ તરીકે આવ્યો હતો
સંજુ સેમસનને દુલીપ ટ્રોફીમાં પણ પસંદ કરવામાં આવ્યો ન હતો, પરંતુ તેને ઈશાન કિશનના સ્થાને ઈન્ડિયા ડી ટીમમાં જગ્યા મળી. જો કે સેમસને આ સદી રમીને ભારતીય ટીમમાં પોતાની દાવેદારી મજબૂત કરી છે, પરંતુ આ યાદીમાં રિષભ પંત, ધ્રુવ જુરેલ, સરફરાઝ ખાન અને કેએલ રાહુલ પહેલાથી જ સામેલ છે. આવી સ્થિતિમાં સેમસન માટે ટીમ ઈન્ડિયામાં વાપસી કરવી આસાન નહીં હોય. જો આપણે સંજુ સેમસનની ફર્સ્ટ ક્લાસ કારકિર્દી પર નજર કરીએ તો તેણે 3,700 રનનો આંકડો પાર કર્યો છે. તેની કારકિર્દીમાં તેણે 11 સદી અને 16 અડધી સદી પણ ફટકારી છે.
સેમસનને અગાઉ શ્રીલંકા સામેની ટી20 શ્રેણીમાં તક મળી હતી, જ્યાં તે બંને પ્રસંગોએ શૂન્યના સ્કોર પર આઉટ થયો હતો. હવે તેણે સદી ફટકારીને તેના ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો છે. હાલમાં ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સામે ચેન્નઈમાં પ્રથમ ટેસ્ટ રમી રહી છે. અને આ સદી દ્વારા સેમસને બીજા ટેસ્ટ માટે પોતાની મજુબત દાવેદારી રજૂ કરી છે.
આ પણ વાંચો : IPL 2025 Mega Auction: મોટા સમાચાર! IPLની મેગા ઓક્શન આ વખતે ભારતમાં નહીં યોજાય, જાણો કયા દેશમાં થશે આયોજન