Vijay Hazare Trophy Final: રાજસ્થાને સાત રનમાં ગુમાવી અંતિમ ચાર વિકેટ, વિજય હઝારે ટ્રોફીમાં હરિયાણા ચેમ્પિયન
Haryana vs Rajasthan Final: વન-ડે ફોર્મેટની આ મોટી ડોમેસ્ટિક ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં હરિયાણાએ રાજસ્થાનને 30 રને હરાવ્યું હતું.
Haryana vs Rajasthan Final: હરિયાણા ક્રિકેટ ટીમે વિજય હઝારે ટ્રોફી 2023 જીતી લીધી છે. વન-ડે ફોર્મેટની આ મોટી ડોમેસ્ટિક ટુર્નામેન્ટની અંતિમ મેચમાં હરિયાણાએ રાજસ્થાનને 30 રને હરાવ્યું હતું. અહીં પ્રથમ બેટિંગ કરતા હરિયાણાએ નિર્ધારિત 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 287 રનનો સારો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં રાજસ્થાનની ટીમ 257 રન જ કરી શકી હતી.
𝐂.𝐇.𝐀.𝐌.𝐏.𝐈.𝐎.𝐍.𝐒! 🏆
— BCCI Domestic (@BCCIdomestic) December 16, 2023
Say hello 👋 to the winners of the #VijayHazareTrophy 👉 Haryana 🙌🙌@IDFCFIRSTBank | #Final pic.twitter.com/N20IS3quTC
એક સમયે રાજસ્થાનની ટીમને અહીં જીતવા માટે 29 બોલમાં માત્ર 38 રનની જરૂર હતી. તેમની 4 વિકેટ પણ બાકી હતી પરંતુ ટીમે 7 રનની અંદર છેલ્લી 4 વિકેટ ગુમાવી દીધી અને મેચ હારી ગઈ હતી.
અંકિત કુમાર અને અશોક મનેરિયાની મજબૂત ઇનિંગ્સ
આ મેચમાં હરિયાણાના કેપ્ટન અશોક મનેરિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને બીજી ઓવરમાં ઓપનર યુવરાજ (1) પેવેલિયન પરત ફર્યો હતો. અંકિત કુમારે હિમાંશુ રાણા સાથે 38 રનની ભાગીદારી કરીને ટીમને થોડો સાથ આપ્યો હતો પરંતુ 41ના કુલ સ્કોર પર હિમાંશુ (10)ને અંકિત ચૌધરીએ આઉટ કર્યો હતો. અહીંથી અંકિત કુમાર અને કેપ્ટન અશોક મનેરિયાએ 124 રનની ભાગીદારી કરીને હરિયાણાને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું હતું.
165 રનના કુલ સ્કોર પર અંકિત કુમાર 91 બોલમાં 88 રનની ઇનિંગ રમીને આઉટ થયો હતો. તેને અંકિત ચૌધરીએ બોલ્ડ કર્યો હતો. જ્યારે કેપ્ટન મનેરિયા (70) પણ આઉટ થઈ ગયો ત્યારે સ્કોરબોર્ડમાં વધુ 17 રન ઉમેરાયા હતા. આ પછી નીચલા ક્રમના બેટ્સમેનોએ ટૂંકી પરંતુ ઝડપી ઇનિંગ્સ રમી હતી. વિકેટકીપર રોહિત શર્મા (20), નિશાંત સિંધુ (29), રાહુલ તેવટિયા (24) અને સુમિત કુમારના અણનમ 28 રનની શાનદાર ઇનિંગ્સની મદદથી હરિયાણાએ નિર્ધારિત 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 287 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી અંકિત ચૌધરીએ ચાર, અરાફાત ખાને બે અને રાહુલ ચહરે એક વિકેટ લીધી હતી.
288 રનના લક્ષ્યાંકના જવાબમાં રાજસ્થાનની શરૂઆત ખરાબ રહી હતી. 12 રન થયા ત્યાં સુધીમાં ટીમે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી ઓપનર અભિજીત તોમરે એક છેડો સંભાળ્યો અને શાનદાર સદી ફટકારી. તેણે કરણ લાંબા (20) સાથે 68 રન ઉમેરીને ઇનિંગને સંભાળી હતી. બાદમાં કુણાલ સિંહ રાઠોડ સાથે 121 રનની ભાગીદારી કરીને રાજસ્થાનને જીતની આશા અપાવી હતી.
જીતની નજીક આવ્યા બાદ રાજસ્થાન હારી ગયું
201ના કુલ સ્કોર પર અભિજીત 106 રન બનાવીને આઉટ થયો હતો. અહીંથી કૃણાલે થોડો સમય ઈનિંગને સંભાળી લીધી અને પછી તે પણ 79 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. 237 રનમાં 6 વિકેટ પડી ગયા બાદ રાજસ્થાન દબાણમાં હતું પરંતુ રાહુલ ચહર અને કુનકા અજય સિંહ ધીમે ધીમે ટીમને જીત તરફ લઈ જઈ રહ્યા હતા. કુનકા આઠ રન કરી આઉટ થયો હતો. બાદમાં તે પછીના 7 રનમાં વધુ ત્રણ વિકેટ પડી હતી. રાહુલ ચહર 18 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો હતો પરંતુ તે ટીમને મેચ જીતાડી શક્યો ન હતો.
સુમિત કુમાર 'પ્લેયર ઓફ ધ મેચ' બન્યો
હરિયાણા તરફથી હર્ષલ પટેલ અને સુમિત કુમારે ત્રણ-ત્રણ અને અંશુલ અને રાહુલ તેવટિયાએ બે-બે વિકેટ લીધી હતી. સુમિત કુમારને તેની ઓલરાઉન્ડ રમત માટે 'પ્લેયર ઓફ ધ મેચ' પસંદ કરવામાં આવ્યો હતો. આ મેચમાં તેણે 16 બોલમાં 28 રન બનાવ્યા અને 34 રનમાં 3 વિકેટ પણ લીધી. 'પ્લેયર ઓફ ધ સિરીઝ' પણ સુમિત કુમાર હતો.