આ છે વિશ્વની ટોચની ૧૦ ધનિક મહિલાઓમાં સ્થાન મેળવનારી પ્રથમ ભારતીય મહિલા, જાણો કોણ છે અને શેનો છે બિઝનેસ?
હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ ૨૦૨૫માં ૩.૫ લાખ કરોડની સંપત્તિ સાથે વિશ્વમાં પાંચમું સ્થાન મેળવ્યું.

Roshni Nadar richest woman: HCL ટેક્નોલોજીસના ચેરપર્સન રોશની નાદારે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તેઓ હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ ૨૦૨૫ અનુસાર વિશ્વની ૧૦ સૌથી ધનિક મહિલાઓની યાદીમાં સ્થાન મેળવનારી પ્રથમ ભારતીય મહિલા બની ગયા છે. આ યાદીમાં તેમનું સ્થાન પાંચમું છે અને તેમની કુલ સંપત્તિ ૩.૫ લાખ કરોડ રૂપિયા આંકવામાં આવી છે.
હુરુન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે તાજેતરમાં જ તેની ગ્લોબલ રિચ લિસ્ટ ૨૦૨૫ જાહેર કરી છે. આ યાદીમાં રોશની નાદરે આ સ્થાન પ્રાપ્ત કરીને દેશનું ગૌરવ વધાર્યું છે. વિશ્વની સૌથી ધનિક મહિલાઓની આ યાદીમાં તેમનો સમાવેશ થવો એ ભારતીય મહિલાઓ માટે એક મોટી પ્રેરણારૂપ ઘટના છે.
આ યાદી અનુસાર, અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી ભારતમાં એવા વ્યક્તિ છે જેમની સંપત્તિમાં સૌથી વધુ વધારો થયો છે. તેમની કુલ સંપત્તિમાં આશરે ૧ લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે, જે ૧૩ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. આ વધારા સાથે તેમની કુલ સંપત્તિ હવે ૮.૪ લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. તેઓ ભારતના બીજા સૌથી ધનિક વ્યક્તિ છે અને વિશ્વમાં ૧૮મા ક્રમે આવે છે. અદાણી ગ્રૂપનો વ્યવસાય રિન્યુએબલ એનર્જી, એરપોર્ટ, માઇનિંગ, મીડિયા, સિમેન્ટ અને ઇલેક્ટ્રિસિટી જેવા વિવિધ ક્ષેત્રોમાં ફેલાયેલો છે.
બીજી તરફ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની સંપત્તિમાં આ યાદી અનુસાર ૧ લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. હાલ તેમની કુલ સંપત્તિ ૮.૬ લાખ કરોડ રૂપિયા છે. આ ઘટાડાને કારણે તેઓ વિશ્વના ટોચના ૧૦ ધનિકોની યાદીમાંથી બહાર થઈ ગયા છે, પરંતુ તેઓ હજુ પણ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે.
અદાણી અને અંબાણી ઉપરાંત અન્ય ઘણા ભારતીય અબજોપતિઓએ પણ હુરુન ગ્લોબલ રિચ લિસ્ટમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક દિલીપ સંઘવી ૨.૫ લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ભારતના ચોથા સૌથી ધનિક વ્યક્તિ છે, જ્યારે વિપ્રોના સ્થાપક અઝીઝ પ્રેમજી ૨.૨ લાખ કરોડની સંપત્તિ સાથે પાંચમા ક્રમે છે. આ ઉપરાંત કુમાર મંગલમ બિરલા અને સાયરસ એસ પૂનાવાલા જેવા ઉદ્યોગપતિઓની સંપત્તિ પણ ૨ લાખ કરોડ રૂપિયા આસપાસ છે.
હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ ૨૦૨૫માં ૭૧ દેશોના કુલ ૩,૪૪૨ અબજોપતિઓનો સમાવેશ થાય છે, જે ગત વર્ષની સરખામણીમાં અબજોપતિઓની સંખ્યામાં ૫ ટકાનો વધારો દર્શાવે છે. આ તમામ અબજોપતિઓની કુલ સંપત્તિમાં ૧૩ ટકાનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. રોશની નાદરની આ સિદ્ધિ ભારતીય ઉદ્યોગ જગત માટે એક ગૌરવની વાત છે.

