ધોમધખતા તડકા વચ્ચે અંબાલાલની માવઠાની આગાહી: આગામી દિવસોમાં રાજ્યના વાતાવરણમાં આવશે મોટો પલટો
આજે ૧૫ શહેરોના તાપમાનમાં ઘટાડો, અંબાલાલ પટેલે ૧૦ એપ્રિલ સુધીમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરી.

Ambalal Patel rain forecast: રાજ્યમાં હાલમાં ભલે કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો હોય, પરંતુ ઉત્તર ભારતમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડા પવન ફૂંકાતા ગરમીમાં થોડી રાહત મળી છે. હવામાન વિભાગે આગામી ૨૪ કલાકમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરી છે. બીજી તરફ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ૧૦ એપ્રિલ સુધીમાં ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આજે સવારથી જોરદાર પવન ફૂંકાતા ગરમીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આજે રાજ્યના ૧૫ શહેરોના તાપમાનમાં સામાન્ય કરતાં ૧ થી ૩.૩ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો હતો. જેમાં અમદાવાદમાં સૌથી વધુ ૩૬.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે ગરમીથી રાહત આપનારું છે.
આગાહી કરતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ભારે પવનોનું તોફાન આવી શકે છે, જેમાં વિન્ડ ગસ્ટ અને ઝડપી પવનો સાથે વરસાદની પણ શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં મેઘગર્જના અને ભારે વિન્ડ ગસ્ટ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે. તેમણે જણાવ્યું કે ખાસ કરીને ૨૮, ૨૯ અને ૩૦ માર્ચ દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે પવન ફૂંકાશે. આ સમયગાળા દરમિયાન સામાન્ય પવનની ગતિ ૧૦થી ૧૫ કિમી પ્રતિ કલાક, વિન્ડ ગસ્ટની ગતિ ૩૫ કિમી પ્રતિ કલાક અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ૪૦ કિમી પ્રતિ કલાક સુધી રહેવાની શક્યતા છે.
આ ઉપરાંત, અંબાલાલ પટેલે બંગાળની ખાડીમાં આ સિઝનનું પ્રથમ હળવું સાઇક્લોન બનવાની સંભાવના પણ વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે આ સાઇક્લોન વિશાખાપટ્ટનમની આસપાસ સામાન્ય વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે, જેના ભેજ અને અરબસાગરના ભેજના કારણે ૧૦મી એપ્રિલ સુધીમાં રાજ્યના વિવિધ ભાગોના હવામાનમાં મોટો પલટો આવશે. આ પલટામાં દક્ષિણ ગુજરાતના નવસારી અને સુરત જેવા વિસ્તારો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને મધ્ય તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોનો સમાવેશ થાય છે. તેમણે દેશના ઘણા ભાગોમાં વાતાવરણમાં પલટાની સાથે આંધી-વંટોળ અને પર્વતીય પ્રદેશોમાં મેઘગર્જના સાથે કમોસમી વરસાદની પણ આગાહી કરી છે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે ગુજરાતના કેટલાક ભાગોમાં છાંટા પડવાની પણ શક્યતા રહેશે. આ વખતે જેટધારા દક્ષિણ તરફ રહેવાના કારણે અરબસાગરમાં તેની અસર થશે અને તેના ભેજના કારણે ગુજરાતના હવામાનમાં માર્ચના અંતથી ૧૦ એપ્રિલ સુધીમાં મોટો બદલાવ આવશે અને કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પણ પડી શકે છે.
આમ, રાજ્યમાં હાલ ગરમીથી થોડી રાહત મળી છે, પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગામી દિવસોમાં કમોસમી વરસાદની આગાહીએ ખેડૂતો અને સામાન્ય લોકોને ચિંતામાં મૂક્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
