હાર્દિક સહિતના PAASના 25 કન્વીનરોએ OBC પંચ સમક્ષ પાટીદારોને અનામત આપવા કરી રજૂઆત
ગાંધીનગરઃપાટીદારોને અનામત આપવાની માંગ લઈને પાસ કન્વીનરોએ OBC કમિશન સામે રજૂઆત કરી હતી. હાર્દિક પટેલ સહિત પાટીદાર અનામત આંદોલન સમિતિના 25 કન્વીનરોએ સુજ્ઞાબેન સમક્ષ 11 પાનાનો પત્ર લખી તમામ મુદ્દે રજૂઆત કરી હતી. આજની મુલાકાત બાદ હાર્દિક પટેલે કહ્યું હતું કે સુજ્ઞાબેનના હકારાત્મક વલણને આવકારીએ છીએ. પાસ કન્વીનરોએ સર્વે કરાવવાની કમિશનને માંગ કરી હતી.
મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત માટેની ભલામણો સ્વીકાર્યા બાદ ગુજરાતમાં પણ પાટીદારોને અનામત મળે તે માટે હાર્દિક પટેલે પ્રયાસો તેજ કરી દીધા છે. હાર્દિકે જણાવ્યું કે અમે OBC પંચને રજૂઆત કરી છે, સરકાર અને અન્ય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ સુજ્ઞાબેન ભટ્ટે અમારી વાત સાંભળી છે, પાટીદારોને ચોક્કસ અનામત મળવાની તક છે. હાર્દિકે જણાવ્યું કે અમને ભાજપ સરકાર પાસેથી પણ સહકારની આશા છે. ઓબીસી પંચ રાજ્યમાં સરવે કરવામાં આવ્યા બાદ યોગ્ય નિર્ણય લેશે તેવી આશા છે. આ સિવાય હાર્દિકે મહારાષ્ટ્ર હાઇકોર્ટમાં પણ અરજી કરી છે.