Hu to Bolish | હું તો બોલીશ | ભાજપમાં કોંગ્રેસીઓનો ઉભરો!
વિવાદના કેન્દ્રમાં રહેતી ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ નવા વિવાદમાં આવી છે. ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની આજે સાધારણ સભા યોજાવાની હતી, પરંતુ સમિતિના તમામ સભ્યોએ આ સભાનો બહિષ્કાર કરતાં સભાની કામગીરી મોકૂફ રહી. સભ્યોએ બોર્ડનો બહિષ્કાર કરવા પાછળનું કારણ ચેરમેન સભ્યોને વિશ્વાસમાં લીધા વગર વહીવટ કરતા હોવાનું જણાવ્યું. ગયા વર્ષે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ગોવાભાઇ દેસાઇની પેનલને ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા બાદ પણ ચેરમેન બનાવવામાં આવ્યા હતા. પરંતુ તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપને તેનો લાભ મળ્યો નહીં અને તેના લીધે ગોવાભાઇ દેસાઇનું ચેરમેન પદ જોખમમાં આવી ગયું છે. ત્યારે ગોવાભાઇ દેસાઇને વધુ ઝટકો લાગ્યો છે. આજે ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સાધારણ સભા યોજાનારી હતી પરંતુ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના તમામ 15 સભ્યો આ સાધારણ સભાનો વિરોધ નોંધાવીને ગેરહાજર રહી આજની સાધારણ સભાનો બહિષ્કાર કર્યો હતો. ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના તમામ સભ્યો આજે એક સાથે ગેરહાજર રહેતાં આજની સાધારણ સભા રદ્દ થઈ હતી. આજની આ સાધારણ સભામાં ગેરહાજર રહેલા સભ્યોમાંથી કેટલાક સભ્યોનો ટેલિફોનિક સંપર્ક કરતાં તેમણે સભ્યોને વિશ્વાસમાં લીધા વગર વહીવટ કરાતો હોવાનું તેમજ પોતાના કામો બોર્ડમાં સમાવેશ કરવામાં આવતો ન હોવાથી બોર્ડમાં હાજર રહેવું નકામું છે તેમ જણાવ્યું હતું. ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન ગોવાભાઇ દેસાઇ માટે આવનારો સમય કપરો સમય સાબિત થઈ શકે છે. એક તરફ ગત લોકસભાની ચૂંટણીમાં ગોવાભાઇ દેસાઇ ભાજપને કેટલા મદદરૂપ થયા તે સાબિત કરવાની કવાયતમાં છે. તો બીજી તરફ જોખમમાં મુકાયેલા તેમના ચેરમેન પદને હવે સભ્યોની નારાજગીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે આગામી સમયમાં ગોવાભાઇ દેસાઇ ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં પોતાનું ચેરમેન પદ જાળવી રાખવામા કેટલા અંશે સફળ થાય છે.