(Source: ECI/ABP News/ABP Majha)
કોરોનાનો એન્ડેમિક સ્ટેજ એટલે શું ? શું ભારતમાં કોરોના એન્ડેમિક સ્ટેજમાં છે?
WHOની સાઈન્ટિસ્ટ ડો. સૌમ્યા સ્વામિનાથને પહેલીવાર એમ કહ્યું કે ભારત કોરોના વાયરસ મહામારીના એન્ડેમિક સ્ટેજ તરફ આગળ વધી રહ્યું છે. આ એવું સ્ટેજ હોય છે જ્યાં નિમ્ન કે મધ્યમ સ્તરનું સંક્રમણ ચાલુ રહે છે. જ્યાં કોઈ વસ્તી વાયરસ સાથે રહેવાનું શીખી જાય તો તેને એન્ડેમિક સ્ટેજ કહેવામાં આવે છે. તે મહામારી એટલે કે પેન્ડેમિક સ્ટેજ થી ખુબજ અલગ હોય છે. ડો. સૌમ્યાએ એમ પણ જણાવ્યું કે ભારતમાં કોવિડની પીક કદાચ નહી જોવા મળે. પણ એન્ડેમિક સ્ટેજના ઉતાર-ચઢાવને કારણે ભારતના અલગ-અલગ વિસ્તારોમાં કેસ નોંધાતા રહેશે. અત્યારે ભારતમાં કોરોના મહામારીની બીજી લહેરનો પ્રકોપ ઓછો થયો છે. અત્યારે રોજ 30 થી 40 હજાર વચ્ચે કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. અને લગભગ 500 થી 600 લોકોનું કોરોનાને કારણે રોજ મૃત્યુ થાય છે.
શું હોય છે એન્ડેમિક ? એન્ડેમિકનો અર્થ થાય છે કે જ્યારે કોઈ વાયરસ એક જગ્યાએ લાંબો સમય રહે. એન્ડેમિક સ્ટેજ પેન્ડેમિક પછીનું ચરણ હોય છે. આ સ્ટેજમાં વાયરસ કે બિમારી ભૌગોલિક વિસ્તારમાં રહેતા લોકો વચ્ચે સાધારણ કે નિયમિત રૂપે જોવા મળે છે. એટલે કે લોકો ધીરે-ધીરે આ બિમારી સાથે રહેતા શીખી જાય છે. આ એ સ્થિતિ છે જ્યારે બિમારી નિરિક્ષણના સ્તર પર હોય છે. અને ક્યારેય ડિઝાયર્ડ લેવલ સુધી નથી પહોંચતી. કોઈ બિમારીનું ડિઝાયર્ડ લેવલ હંમેશા ઝીરો રહે છે. જ્યારે કોઈ બિમારી અનુમાન ના સ્તરથી આગળ ફેલાવા લાગે તો તે સંક્રમક બિમારીના સ્તરે પહોંચી જાય છે. જ્યારે તે એક દેશમાંથી ઘણાં દેશમાં ફેલાવા લાગે તો તે મહામારીનું રૂપ લઈ લે છે.
શું હોય છે પેન્ડેમિક ? who એ ગયા વર્ષે માર્ચમાં કોરોના વાયરસને પેન્ડેમિક એટલે કે મહામારી ગણાવી હતી. મહામારી એ બિમારીને કહેવામાં આવે છે જે એકજ સમયે દુનિયાના અલગ-અલગ વિસ્તારોમાં લોકોમાં ફેલાતી હોય. આ શબ્દ ફક્ત એ સંક્રમણકારી બિમારીઓ માટે ઉપયોગમાં લેવામાં આવે છે જે ખૂબ જ ઝડપી ઘણાં વિસ્તારોમાં એક સાથે લોકો વચ્ચે સંપર્કને કારણે ફેલાતી હોય છે. આ પહેલા 2009માં સ્વાઈનફ્લૂને મહામારી ઘોષિત કરવામાં આવી હતી. સ્વાઈન ફ્લૂને કારણે લાખોમાં લોકો મર્યા હતા.