(Source: ECI/ABP News/ABP Majha)
Ahmedabad | અમદાવાદમાં ચાલ્યુ 'દાદાનું બૂલડૉઝર', જુહાપુરામાં ગેર કાયદે દબણો અને બાંધકામો તોડી પડાયા
રાજ્યમાં ફરી એકવાર 'દાદાનું બૂલડૉઝર' ચાલ્યું છે. રાજ્યમાં ભાવનગર, દ્વારકા, પોરબંદર બાદ હવે અમદાવાદમાં પણ બૂલડૉઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજે અમદાવાદના સરખેજ, જુહાપુરામાં એએમસી દ્વારા કુખ્યાત નઝીર વોરા નામના શખ્સના દબાણો હટાવવામાં આવ્યા છે. દબાણ દુર કરતી વખતે સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.
રાજ્યમાં દિવાળીના તહેવારો ટાણે જ દાદાનુ બૂલડૉઝર એક્ટિવ થઇ ગયુ છે. આજે અમદાવાદમાં સરખેજના કેટલાક વિસ્તારમાં એમએમસી દ્વારા બૂલડૉઝર કાર્યવાહી કરવામાં આવી છે. સરખેજ નજીક આવેલા સોનલ સિનેમા રૉડ ઉપરના નેહા ફ્લેટની રહેણાંક સ્કીમનું આજે વહેલી સવારે દબાણ હટાવવામાં આવ્યુ છે. ખાસ વાત છે કે, અહીં વર્ષ 2020માં ગેરકાયદે બાંધકામોને તોડી પડાયા હતા, પરંતુ બાદમાં ફરીથી 2024માં બાંધકામ કરી દેવામાં આવ્યા હતા.
દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન એમએમસીની ટીમ સાથે વેજલપુર પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. 3 હીટાચી મશીન, 7 ગેસ કટર, 45 મજૂર દ્વારા અહીં 27 ગેરકાયદે યૂનિટના બાંધકામો દૂર કરાયા હતા. તોડી પાડવામાં આવેલા બાંધકામ જુહાપુરા વિસ્તારના કુખ્યાત નઝીર વોરા દ્વારા ઉભું કરવામાં આવ્યુ હતુ.