Gujarat Congress Politics: ભાજપ બાદ હવે કોંગ્રેસમાં પત્રિકા કાંડ!, ભાજપ સાથે 'સેટિંગ'ના આરોપ, બે નેતાઓના નામ ઉછળ્યા
તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીમાં પત્રિકા વિતરણનો મામલો ચર્ચામાં રહ્યા બાદ હવે ગુજરાત કોંગ્રેસમાં પણ આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે કેટલાક લોકો દ્વારા પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં પાર્ટીના કેટલાક નેતાઓ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે અને ભાજપ સાથે 'સેટિંગ' કર્યાનો સીધો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઘટનાને કારણે કોંગ્રેસના આંતરિક રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
કોંગ્રેસ કાર્યાલય ખાતે વેચાયેલી આ પત્રિકાઓમાં ભાજપ સાથે 'સેટિંગ' કરતા નેતાઓના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખાસ કરીને, પત્રિકામાં કોંગ્રેસના બે અગ્રણી નેતાઓ, હિંમતસિંહ પટેલ અને શૈલેષ પરમારના નામ સામે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.
આ પત્રિકા કાંડ બાદ જેમના નામ ઉછળ્યા છે તેવા કોંગ્રેસના નેતા હિંમતસિંહ પટેલે તમામ આરોપોને પાયાવિહોણા ગણાવી ફગાવી દીધા છે. તેમણે આ ઘટનાને કેટલાક 'બની બેઠેલા નેતાઓ'નું ષડયંત્ર ગણાવ્યું છે. હિંમતસિંહ પટેલે જણાવ્યું કે, આ ખોટી પત્રિકા વાયરલ કરીને કોંગ્રેસ પાર્ટીને બદનામ કરવાનું એક મોટું ષડયંત્ર છે.



















