Rath Yatra 2024 | ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળી
ગુજરાતભરના શહેરોમાં આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ થયો છે. ગુજરાતના તમામ શહેરોમાં ભગવાન જગન્નાથ સપરિવાર અને ભક્તોના ઘોડાપૂર વચ્ચે નગરચર્યાએ નીકળ્યાં છે. રથયાત્રાનો પ્રસંગ કોમી એખલાસ તથા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે દરેક શહેરોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ભાવનગરમાં ભગવાન જગન્નાથની 39મી રથયાત્રા સવારે વિધિવત રીતે પ્રારંભ થઇ ગઈ હતી. સુભાષનગર ભગવાનેશ્વર મહાદેવ મંદિરે હાથી, ઘોડા, અખાડા, ટ્રકો, છકડા વગેરે ભગવાનને નગરચર્યાએ લઈ જવા આગળ રહ્યા હતા. સવારે સોનાના સાવરણાથી પહિંદ વિધિ કરવામાં આવી હતી. જેમાં મહારાજા, સાંસદ, ધારાસભ્યોના હસ્તે આ વિધિ કરવામાં આવી હતી. ત્યાર બાદ રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રથયાત્રામાં એક ટ્રકમાં વાલીઓ જાગો સાથેના સૂત્ર સાથે ગેમઝોન, હરણી બોટકાંડ, અગ્નિકાંડ વગેરે સાથેનો પણ સ્લોટ જોવા મળ્યો હતો. ઉપરાંત ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ભગવાન નગરચર્ચાએ નીકળ્યા છે. તેમજ એસઆરપી અને આરએએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી હતી. અને રથના દર્શનાર્થે લાખો લોકોની ભીડ રસ્તા પર ઉમટી હતી.
ગુજરાતભરમાં આજે ભગવાન જગન્નાથજી નગરચાર્યાએ નીકળ્યાં છે ત્યારે તમામ શહેરોમાં જય... જય... જગન્નાથ’, 'હાથી, ઘોડા, પાલખી, જય કનૈયા લાલ કી’, 'નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી’ જેવા ગગનભેદી નારા સાથે 'પહિન્દ’ વિધિ કરી રથનું દબદબાભેર પ્રસ્થાન થયું હતું.