Uniform Civil Code: ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ આજથી લાગુ! દેશનું પ્રથમ રાજ્ય બન્યું
ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડની સૂચના જારી કર્યા બાદ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે આ એક ઐતિહાસિક પગલું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે આ કાયદા માટે રાજ્ય સરકારના અધિકારીઓએ દિવસ-રાત મહેનત કરી છે. બધાએ સંકલનથી કામ કર્યું. મુખ્ય સેવક સદન ખાતે આયોજિત કાર્યક્રમમાં સીએમ ધામીએ કહ્યું કે આજનો દિવસ માત્ર આપણા રાજ્ય માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ઐતિહાસિક દિવસ છે. સમાનતા પ્રસ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે બનાવવામાં આવેલ યુસીસીનો અમલ કરવામાં આવી રહ્યો છે. ઉત્તરાખંડે આજે ઈતિહાસ રચ્યો છે. યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરનાર ઉત્તરાખંડ પ્રથમ રાજ્ય બન્યું છે.
તેમણે કહ્યું કે ઉત્તરાખંડમાં UCC લાગુ કરીને બાબા સાહેબ ભીમરાવ આંબેડકર સહિત બંધારણ સભાના તમામ સભ્યોને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. સીએમએ કહ્યું કે UCCના અમલીકરણથી ઉત્તરાખંડના તમામ રહેવાસીઓના અધિકાર સમાન બની ગયા છે. હવે તમામ ધર્મની મહિલાઓ માટે સંપૂર્ણ કાયદો છે. સીએમએ કહ્યું કે આજે આ ક્ષણ મારા માટે ખૂબ જ ભાવુક છે. આ કાયદાના અમલ સાથે જ હલાલા, ઇદ્દત, બહુવિવાહ, ટ્રિપલ તલાક પર સંપૂર્ણ પ્રતિબંધ લાગશે.





















