ચંદ્રાબાબુ નાયડુને હાથ ખેંચીને ખુરશી પર બેસાડતા નરેન્દ્ર મોદીનો ' ફની' વીડિયો વાયરલ, કોણ છે આ વીડિયો પાછળ ?
નવી દિલ્હીઃ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુની પાર્ટી તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) ભાજપના નેતૃત્વ ધરાવતા એનડીએમાંથી અલગ થઇ ગઇ છે. જોકે આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં વડાપ્રધાન મોદી પોતાની પાસેની ખુરશીમાં બેસાડવા માટે ચંદ્રાબાબુ નાયડુને ખેંચી રહ્યા છે. આ અગાઉ વડાપ્રધાન મોદીને આ અવતારમાં કોઇએ જોયા નહી હોય. જોકે, આ વીડિયોની સત્યતાને લઇને કોઇ જાણકારી મળતી નથી.
સોશિયલ મીડિયા પર આ વીડિયોને વાયરલ કરીને લોકો મોજ લઇ રહ્યા છે. વીડિયો કોઇ રેલી દરમિયાનનો હોય તેવું લાગી રહ્યું છે. સ્ટેજ પર વડાપ્રધાન મોદી સહિતના નેતાઓ હાજર છે. તે દરમિયાન વડાપ્રધાન મોદી તમામના આશ્વર્ય વચ્ચે ચંદ્રાબાબુ નાયડુનો હાથ પકડીને ખેંચે છે અને તેમને પોતાની પાસેની ખુરશીમાં બેસવા માટે દબાણ કરે છે. જોકે, ચંદ્રાબાબુ નાયડુ બેસવામાં સંકોચ અનુભવતા હોય તેવું લાગે છે.
અનેક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો મોદી જ્યારે મુખ્યમંત્રી હતા તે સમયનો છે. વાસ્તવમાં આ વીડિયો 2014 લોકસભા ચૂંટણી અગાઉનો છે જ્યારે મોદીને વડાપ્રધાન પદના દાવેદાર જાહેર કરવામાં આવ્યા હતા. તે દરમિયાન ટીડીપી અને બીજેપીએ ગઠબંધન કરી આંધ્રપ્રદેશની ચૂંટણી લડી હતી. 22 એપ્રિલ 2014ના રોજ આંધ્રપ્રદેશના મહબૂબનગરમાં યોજાયેલી એક રેલીમાં સામેલ થવા માટે વડાપ્રધાન મોદી પહોંચ્યા હતા.
મંચ પર વડાપ્રધાન મોદી નાયડૂને પોતાની પાસે બેસાડવા માંગતા હતા પરંતુ નાયડૂ મોદીના કદને કારણે તેમની પાસે બેસવામાં સંકોચ અનુભવતા હતા. પરંતુ મોદી તેમનો હાથ પકડીને તેમને પાસે બેસાડી દે છે.