Khodaldham: સૌરાષ્ટ્રના કાગવડ જેવું જ પાટણ પાસે બનશે ખોડલધામ, જાણો ક્યારે થશે ભૂમિપૂજન
Khodaldham in Patan: ખોડલધામના ભૂમિપૂજનના આયોજન અંગે આજે બેઠક મળી હતી. ખોડલધામના ચેરમેન નરેશ પટેલની આગેવાનીમાં યોજાયેલી બેઠકમાં સામાજિક અગ્રણી અનારબેન પટેલ, ધારાસભ્ય કિરીટ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Khodaldham: સૌરાષ્ટ્રમાં આસ્થાનું પ્રતિક બની રહેલા કાગવડ સ્થિત લેઉવા પટેલના કુળદેવી ખોડલ માતાજીનું ભવ્ય મંદિર પાટણના સંડેરમાં નિર્માણ પામશે. જેનું ભૂમિપૂજન 22મી ઓક્ટોબર અને આઠમના દિવસે થશે. ખોડલધામમાં મંદિર ઉપરાંત શૈક્ષણિક સંકુલ અને હોસ્પિટલ પણ બનશે.
ખોડલધામના ભૂમિપૂજનના આયોજન અંગે આજે બેઠક મળી હતી. ખોડલધામના ચેરમેન નરેશ પટેલની આગેવાનીમાં યોજાયેલી બેઠકમાં સામાજિક અગ્રણી અનારબેન પટેલ, ધારાસભ્ય કિરીટ પટેલ, ઉત્તર ગુજરાતના પાટીદાર સંગઠનોના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખોડલધામના ભૂમિપૂજનમાં ઉપસ્થિત રહેશે. આ સિવાય ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, NCPના નેતા અને સાંસદ પ્રફુલ પટેલ અને ઉદ્યોગપતિ કરશનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેશે.
કેવું છે સૌરાષ્ટ્રનું ભવ્યાતિભવ્ય મંદિર ખોડલધામ
આ ભવ્ય મંદિર સૌરાષ્ટ્રના કાગવડ ખાતે બનાવવામાં આવ્યું છે. જેમાં 2017ની જાન્યુઆરી 17થી 21 તારીખ સુધી 5 દિવસનો મહોત્સવ યોજાયો હતો. આ મંદિરમાં મા ખોડલ સહિત મા અંબા, વેરાઈ મા, મા ગાત્રાળ, મા અન્નપૂર્ણા, મા મહાકાળી, રાંદલ, માતા બુટભવાની, બ્રહ્માણી માતા, મોમાઇ માતા, મા ચામુંડા, મા ગેલ તેમજ મા શિહોરીની ભવ્ય મૂર્તિઓ સ્થાપિત કરાયેલી છે. મંદિરનું બાંધકામ શિલ્પશાસ્ત્ર મુજબ રાજસ્થાની કારીગરો દ્વારા ગુંબ્બજ, પિલર અને છત્તરની કોતરણી સાથેનું બાંધકામ થયેલું છે.
ખોડલધામ મંદિર બંસી પહાડપુરના 2 લાખ 30 હજાર ઘનફૂટ પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે, જે રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં બયાના ગામની નજીકની ખાણમાંથી નીકળે છે. મંદિરની પહોળાઈ 252 ફુટ, 5 ઇંચ છે. મંદિરની લંબાઈ 298 ફુટ, 7 ઇંચ છે જ્યારે જમીનથી ધ્વજદંડ સુધીની ઊંચાઈ 159 ફુટ, 1 ઇંચ છે. ખોડલધામ મંદિરની ટોચ પર એક 14 ફૂટ ઉંચો, 6 ટનનો સૂવર્ણ જડિત કળશ સ્થાપિત કરાયો છે. કલશની પાસે 40 ફૂટ ઊંચો ધ્વજદંડ મૂકવામાં આવ્યો છે. ધ્વજદંડ પર બાવન ગજની ધ્વજા લહેરાઈ રહી છે. ઓરિસ્સાના કારીગરો દ્વારા કંડારવામાં આવેલી લગભગ 650 મૂર્તિઓ માંડોવરથી ખોડલધામ મંદિરની શિખર સુધી સ્થાપિત કરવામાં આવી છે. પિલર, બિમ, તોરણ, છતની ડિઝાઈન એ બધું રાજસ્થાનના કારીગરોએ કંડાર્યું છે. ખોડલધામ મંદિરનો સમાવેશ મહામેરૂ પ્રાસાદમાં થાય છે. એટલે કે જેનું સ્વરૂપ મોટા પર્વત જેવું હોય તેને મહામેરૂ પ્રાસાદ કહે છે. મંદિરની બહારના પરિસરમાં 650 અન્ય કલાકૃતિ સભર ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરી રહેલ મૂર્તિઓ છે જે ઓરિસ્સાના કુશળ કારિગરોએ બનાવેલ છે. મંદિરના નિર્માણમાં ઉપયોગમાં આવવેલ ગુલાબી પત્થરો ખાસ રાજસ્થાનથી મંગાવેલ છે. જેમાં અજગર, હાથી, સિંહ અને ગજથર, અશ્વથર, ગ્રાસથર, નર્તકી, વ્યાલ, વગેરેની મૂર્તિઓનો સમાવેશ થાય છે. આ સિવાય રામાયણ – મહાભારતના પૌરાણિક પાત્રો પણ કંડારાયેલા છે. સોનાથી મઢેલ ધ્વજ દંડ પર મંદિરના શિખર ઉપર ૫૨ ગજની ધ્વજા ફરકી રહી છે. કાગવડમાં ખોડલમાતાના દર્શન કરવા દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
