હૈદરાબાદઃ કેન્દ્ર સરકારની 30 સપ્ટેમ્બરે પૂરી થયેલી ઇન્કમ ડેકલેરેશન સ્કીમ (આઇડીએસ) હેઠળ દેશભરમાં રૂપિયા 65,250 કરોડનું કાળુ નાણુ જાહેર કરવામાં આવ્યું હતું. આ પૈકી હૈદરાબાદની એક વ્યક્તિએ જ રૂપિયા 10,000 કરોડનું કાળું નાણું જાહેર કરતી અરજી આપી હતી.
2/7
બીજી તરફ વાયએસઆર કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે આ વ્યક્તિ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ અને તેમનો દીકરો નારા લોકેશ છે. નારા લોકેશ ટીડીપીની યુવા પાંખનો પ્રમુખ છે અને નાયડુનો રાજકીય વારસદાર મનાય છે.
3/7
આંધ્ર પ્રદેશમાં આ જાહેરાતના પગલે ચંદ્રાબાબુ નાયડુ અને જગન મોહન રેડ્ડીની વાયએસઆર કોંગ્રેસ વચ્ચે જોરદાર જંગ થયો હતો. તેલુગુ દેશમના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે આ કાળું નાણું જાહેર કરનાર વ્યક્તિ વાયએસઆર કોંગ્રેસના પ્રમુખ જગન મોહન રેડ્ડી છે.
4/7
હૈદરાબાદના બિઝનેસમેને તેનો પહેલો હપ્તો નવેમ્બરમાં ભરવાનો હતો પણ જ્યારે સમય આવ્યો ત્યારે તેણે હાથ અધ્ધર કરી દીધા. આવકવેરા વિભાગે તપાસ કરી તો ખબર પડી કે આ વ્યક્તિ પાસે ખરેખર કોઈ કાળું નાણું નથી ને એક કરોડની પણ સંપત્તિ નથી.
5/7
આવકવેરા વિભાગનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બિઝનેસમેને પ્રસિધ્ધી મેળવવા આ નાટક કર્યું હતું. આઈડીએસ પ્રમાણે કાળાં નાણાં પર 45 ટકા ટેક્સ ભરીને તેને કાયદેસરની આવકમાં ફેરવી શકાય છે. આ કરવેરો ચૂકવવા માટે કાળું નાણું જાહેર કરનારને હપ્તા અપાય છે.
6/7
આવકવેરા વિભાગે આ પ્રક્રિયા આગળ વધારી તો ખબર પડી કે આ જાહેરાત કરનારી વ્યક્તિએ સૌને ઉલ્લુ બનાવ્યા છે અને તેની પાસે એક કરોડ રૂપિયા પણ નથી. આ અરજી નકલી જાહેર થતાં આઈડીએસ હેઠળ જાહેર કાળાં નાણાંનો આંકડો 55,250 કરોડ રૂપિયા પર આવી ગયો છે.
7/7
આ વ્યક્તિની ઓળખ જાહેર નહોતી કરાઈ પણ આ વ્યક્તિ દેશમાં વ્યક્તિગત રીતે સૌથી વધારે કાળું નાણું જાહેર કરનારી વ્યક્તિ હતી. આવકવેરા વિભાગે આ વાતને જોરશોરથી ચગાવી હતી પણ બે મહિનામાં જ આવકવેરા વિભાગનો પોપટ થઈ ગયો છે.