Ahmedabad: અમદાવાદના હાટકેશ્વર બ્રિજના ચાર આરોપીઓના જામીન મંજૂર, ચાર્જશીટ બાદ આરોપીઓએ કરી હતી અરજી
અમદાવાદના હાટકેશ્વર બ્રિજના ચાર આરોપીઓને સિટી સિવિલ કોર્ટે જામીન આપ્યા હતા
અમદાવાદઃ અમદાવાદના હાટકેશ્વર બ્રિજના ચાર આરોપીઓને સિટી સિવિલ કોર્ટે જામીન આપ્યા હતા. ચારેય આરોપીઓએ ચાર્જશીટ બાદ સેશન્સ કોર્ટમાં જામીન મેળવવા માટે અરજી કરી હતી. કોર્ટે અજય ઇન્ફ્રાના ડિરેક્ટર રમેશ પટેલ, રસિક પટેલ, ચિરાગ પટેલ અને AMCના ટેકનિકલ સુપરવાઈર સતીશ પટેલની જામીન અરજી મંજૂર કરી હતી. બ્રિજના કામમાં ભ્રષ્ટાચારનો ખુલાસો થતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી હાટકેશ્વર બ્રિજનું બાંધકામ કરનાર સંસ્થા અજય એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રાઈવેટ લિમિટેડના હોદ્દેદારો અને કર્મચારીઓ તેમજ બ્રિજની કામગીરીનું નિરીક્ષણ કરતી સંસ્થા SGS ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના હોદ્દેદારો અને કર્મચારીઓ સામે ખોખરા પોલીસમથકે 15 એપ્રિલના ફરિયાદ નોંધાવવામાં આવી હતી. વર્ષ 2014માં બ્રિજના કામની મંજૂરી આપવામાં આવી હતી. અગાઉ અજય ઇન્ફ્રાસ્ટક્ચરને 2.36 કરોડ રૂપિયાની પેનલ્ટી લાગી હતી પરંતુ માનીતા એવા અજય ઇન્ફા પાસેથી માત્ર 23 લાખ રૂપિયા ભરાવીને પતાવટ કરવામાં આવી હતી.
પોલીસે આરોપીઓ વિરુદ્ધ IPCની કલમ 406, 420, 409 અને 120(B) અંતર્ગત ફરિયાદ નોંધી હતી. આ ફરિયાદ મામલે પોલીસે તપાસ કરીને કોર્ટમાં 2 હજારથી વધુ પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. જેમાં અજય એન્જિનિયરિંગના ડાયરેક્ટર સહિત 11 આરોપી સામે ચાર્જશીટ રજૂ કરાઇ છે. અરેસ્ટ નહીં કરાયેલા અથવા ભાગી છૂટેલા 10 આરોપી દર્શાવાયા છે.
નોંધનીય છે કે અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં આવેલો હાટકેશ્વર બ્રિજ બન્યાના ચાર જ વર્ષમાં ખખડી જતા તેને જાહેર જનતા માટે બંધ કરવામાં આવ્યો હતો. બાદમાં અમદાવાદના હાટકેશ્વર બ્રિજને તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે પત્રકાર પરિષદ કરી આ અંગે જાણકારી આપી હતી. આ મામલે રચવામાં આવેલી ત્રણ નિષ્ણાંતોની કમિટીએ સમગ્ર બ્રિજનો રીપોર્ટ તૈયાર કરીને મ્યુનિસિપલ કમિશનરને સોંપ્યો હતો. બાદમાં તેને તોડી પાડવાનો નિર્ણય લેવાયો હતો. નોંધનીય છે કે, બ્રિજ નિર્માણ કરનાર કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરીંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ કંપની, એસજીએસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને અન્ય લોકો સામે પણ ગુનો નોધવામાં આવ્યો છે. બ્રિજની હલકી ગુણવતા અને એએમસી બાંધકામના નીતિ-નિયમનું પાલન ન થયું હોવાનો આરોપ લગાવ્યો હતો.