(Source: ECI/ABP News/ABP Majha)
Advance Tax Payment: ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે કર્યું એલર્ટ, 15 માર્ચ સુધીમાં કરો આ કામ નહી તો.....
આવક પર ટેક્સ ભરવો એ દરેક લોકોની જવાબદારી છે. તેનાથી ન માત્ર દેશનો વિકાસ જ થશે, પરંતુ સારી હોસ્પિટલો રસ્તાઓ જેવી સુવિધાઓ પણ આપણને મળે છે.
Advance Tax Payment Deadline: આવક પર ટેક્સ ભરવો એ દરેક લોકોની જવાબદારી છે. તેનાથી ન માત્ર દેશનો વિકાસ જ થશે, પરંતુ સારી હોસ્પિટલો રસ્તાઓ જેવી સુવિધાઓ પણ આપણને મળે છે. નાણાકીય વર્ષ દરમિયાન થયેલી કમાણી પર વર્ષના અંતમાં ટેક્સ ભરવાનો હોય છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં ટેક્સપેયર્સ અગાઉ પણ ટેક્સ જમા કરાવવો પડે છે જેને એડવાન્સ ટેક્સ કહે છે.
ડેડલાઈન નજીક છે
તમે એડવાન્સ ટેક્સ વિશે ઘણી વખત સાંભળ્યું હશે. ઈનકમ ટેક્સ વિભાગ સમય-સમય પર એડવાન્સ ટેક્સના આંકડા પણ જાહેર કરે છે. તેને એડવાન્સ ટેક્સ કહેવામાં આવે છે કારણ કે તે નાણાકીય વર્ષ પૂરું થાય તે પહેલાં ચૂકવવાનો હોય છે. ટેક્સપેયર્સના નાણાકીય બોજને ઘટાડવા માટે આ યોજના દાખલ કરવામાં આવી છે. આ હેઠળ તમે એક સાથે ભારે ભરખમ ટેક્સ ભરવાને બદલે ધીમે ધીમે ટેક્સ ચૂકવી શકો છો. આ વખતે એડવાન્સ ટેક્સ ભરવાની છેલ્લી તારીખ પુરી થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. આ કારણોસર આવકવેરા વિભાગે ફરી એકવાર તે તમામ ટેક્સપેયર્સને ચેતવણી આપી છે જેમણે એડવાન્સ ઇન્કમ ટેક્સ ભરવાની જરૂર છે.
ડિપાર્ટમેન્ટે કર્યું આ ટ્વિટ
ઈનકમ ટેક્સ વિભાગે હાલમાં જ એક ટ્વીટમાં કર્યું છે કે સાવધાન ટેક્સપેયર્સ. એડવાન્સ ટેક્સનો છેલ્લો હપ્તો ભરવાની છેલ્લી તારીખ નજીક છે. યાદ રાખો કે તમારે 15 માર્ચ 2023 સુધીમાં એડવાન્સ ટેક્સનો છેલ્લો અને ચોથો હપ્તો ભરવાનો રહેશે. તમને જણાવી દઈએ કે જો એડવાન્સ ટેક્સ ભરવાની શ્રેણીમાં આવતા ટેક્સપેયર્સ સમયમર્યાદા પહેલા ટેક્સ નહીં ચૂકવે તો તેમને દંડ ભરવો પડી શકે છે.
શું છે એડવાન્સ ટેક્સ
સૌથી પહેલા તમને જણાવી દઈએ કે એડવાન્સ ટેક્સ શું છે. એડવાન્સ ટેક્સ એ ઈનકમટેક્સ છે જેની ચૂકવણી ટેક્સપેયર્સે એક સાથે ન કરી ત્રિમાસિક સમયમાં ચૂકવવાની હોય છે. આવકવેરા કાયદા અનુસાર ટેક્સપેયર્સે નાણાકીય વર્ષમાં કમાયેલી આવકની ગણતરી કરવાની હોય છે. તેના આધાર પર ટેક્સ ચૂકવવો પડે છે. એટલે કે એડવાન્સ ટેક્સ એ જ નાણાકીય વર્ષ દરમિયાન ચૂકવવામાં આવે છે જેમાં તમે કમાણી કરો છો.
કોને એડવાન્સ ટેક્સ ભરવાની જરૂર છે
દરેક ટેક્સપેયર્સ જેમની એક નાણાકીય વર્ષમાં ટેક્સ ચૂકવણી 10,000 કે તેથી વધુ છે, તેણે એડવાન્સ ટેક્સ ચૂકવવો પડશે, પછી ભલે તે નોકરી કરતા હોય ધંધો કરતા હોય કે કોઈપણ વ્યવસાય સાથે સંકળાયેલો હોય. સેલેરીવાળા લોકોએ એડવાન્સ ટેક્સ ચૂકવવો પડતો નથી, કારણ કે એમ્પ્લોયર TDS કાપ્યા બાદ પગારની ચૂકવણી કરે છે. આવા કરદાતાઓએ એડવાન્સ ટેક્સ ત્યારે જ ચૂકવવો પડે છે જ્યારે તેમની પાસે પગાર સિવાયની બીજી કોઈ આવક હોય. જેમ કે ભાડાની આવક, વ્યાજ અથવા ડિવિડન્ડની આવક હોય ત્યાર ચૂકવવો પડે છે. સામાન્ય રીતે વેપારીઓ કે પ્રોફેશનલ્સ એડવાન્સ ટેક્સ ચૂકવે છે. 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને એડવાન્સ ટેક્સ ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. શરત એ છે કે તેમની પાસે કોઈપણ વ્યવસાય અથવા વ્યવસાયમાંથી આવક હોવી જોઈએ નહીં.
આ રીતે ભરવામાં આવે છે એડવાન્સ ટેક્સ
એડવાન્સ ટેક્સને ચાર ભાગમાં વહેંચવામાં આવે છે. પ્રથમ હપ્તો 15 જૂન, બીજો 15 સપ્ટેમ્બર સુધી, ત્રીજો હપ્તો 15 ડિસેમ્બર અને છેલ્લો હપ્તો 15 માર્ચ સુધીમાં જમા કરાવવાનો હોય છે. તમારે 15 જૂન સુધીમાં કુલ ટેક્સના 15 ટકા એડવાન્સ ટેક્સ તરીકે જમા કરાવવાના રહેશે. આ પછી 15 સપ્ટેમ્બર સુધીમાં 45 ટકા, 15 ડિસેમ્બર સુધીમાં 75 ટકા અને 15 માર્ચ સુધીમાં 100 ટકા ટેક્સ ભરવાનો રહેશે.
સમયમર્યાદા બાદ દંડ થાય છે
સમયસર એડવાન્સ ટેક્સ ભરવામાં ન આવે તો કલમ 234B અને કલમ 234C હેઠળ વ્યાજ ચૂકવવું પડશે. ધારો કે તમે 15 સપ્ટેમ્બરની અંતિમ તારીખ ચૂકી ગયા છો, તો તમારે 3 મહિના માટે વ્યાજ ચૂકવવું પડશે, જેનું વ્યાજ મહિને એક ટકા છે. જો કરદાતાએ વધુ એડવાન્સ ટેક્સ ભર્યો હોય તો તે આવકવેરા રિટર્ન ફાઇલ કરીને રિફંડનો ક્લેમ કરી શકે છે.
એડવાન્સ ટેક્સ ભરવાની પ્રક્રિયા
એડવાન્સ ટેક્સ ભરવો ખૂબ જ સરળ છે. આ માટે તમારે ઈનકમ ટેક્સ વિભાગની ઈ-ફાઈલિંગ વેબસાઈટ (https://www.incometax.gov.in/) પર જવું પડશે અને e-Pay Tax વિકલ્પ પર ક્લિક કરવું પડશે. પાન નંબર અને મોબાઇલ નંબર દાખલ કરીને તમારે એડવાન્સ ટેક્સનો વિકલ્પ પસંદ કરવો પડશે. તમે નેટ બેંકિંગ અથવા ડેબિટ કાર્ડ દ્વારા ચૂકવણી કરી શકો છો. વૈકલ્પિક રીતે, તમે ચલણ નંબર 208 જનરેટ કરી શકો છો અને તેને અધિકૃત બેંક શાખામાં જમા કરીને એડવાન્સ ટેક્સ ચૂકવી શકો છો.