Gandhinagar: બાંધકામ શ્રમિકોને લઈને રાજ્ય સરકારની મોટી જાહેરાત, આ સ્થળો શરુ થશે વધુ 152 ભોજન વિતરણ કેન્દ્ર
ગાંધીનગર: આ સાથે રાજયના અન્ય જિલ્લાઓમાં પણ વિવિધ મહાનુભાવોના હસ્તે નવા કુલ-૧૫૨ ભોજન વિતરણ કેન્દ્રોનો શુભારંભ કરવામાં આવશે તેમ, પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આજે ગાંધીનગર ખાતે મીડિયાને વિગતો આપતાં જણાવ્યું હતું.
ગાંધીનગર: શ્રમિક અન્નપૂર્ણા યોજનાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવે આ યોજના મામલે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે તેમજ મંત્રીમંડળના સભ્યો સહિત વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આગામી તા.૧૦ નવેમ્બર ૨૦૨૩ના રોજ અમદાવાદ ખાતે આયોજિત રાજ્યકક્ષાના કાર્યક્રમમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ નવા ભોજન કેન્દ્રોનો શુભારંભ કરવામાં આવશે.
કુલ-૧૫૨ ભોજન વિતરણ કેન્દ્રોનો શુભારંભ કરવામાં આવશે
આ સાથે રાજયના અન્ય જિલ્લાઓમાં પણ વિવિધ મહાનુભાવોના હસ્તે નવા કુલ-૧૫૨ ભોજન વિતરણ કેન્દ્રોનો શુભારંભ કરવામાં આવશે તેમ, પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આજે ગાંધીનગર ખાતે મીડિયાને વિગતો આપતાં જણાવ્યું હતું. પ્રવક્તા મંત્રી પટેલે કહ્યું હતું કે, શ્રમ-રોજગાર વિભાગ હેઠળના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા જૂન-૨૦૧૭ થી બાંધકામ શ્રમિકોને નજીવા દરે ગુણવત્તાસભર પૌષ્ટિક ભોજન આપતી 'શ્રમિક અન્નપૂર્ણા યોજના' કાર્યરત છે.
૩૬.૩૩ લાખ શ્રમિક લાભાર્થીઓએ પૌષ્ટિક ભોજનનો લાભ લીધો છે
શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વર્ષ-૨૦૨૨માં અમદાવાદ અને ગાંધીનગર ખાતે કુલ-૨૨ કડીયાનાકા પર ભોજન વિતરણ કેન્દ્રોનો શુભારંભ કરવામાં આવ્યો હતો. હાલમાં શ્રમિકો માટે રાજ્યભરમાં ૧૧૮ ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત છે. આ યોજના હેઠળ છેલ્લા ૬ માસમાં ૩૬.૩૩ લાખ શ્રમિક લાભાર્થીઓએ પૌષ્ટિક ભોજનનો લાભ લીધો છે જેનો રૂા.૧૬ કરોડથી વધુનો ખર્ચ થયો છે.
મંત્રીએ કહ્યું હતું કે, આગામી સમયમાં શરૂ થનાર નવા ભોજન વિતરણ કેન્દ્રોમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં ૪૯, સુરત-૨૨, જામનગર-૧૦, વડોદરા-૯, ગાંધીનગર-૮, પાટણ-૭, નવસારી અને મોરબીમાં ૬-૬, બનાસકાંઠા અને રાજકોટમાં ૫-૫, વલસાડ, આણંદ, ખેડા, સાબરકાંઠા અને મહેસાણામાં ૪-૪, ભરૂચ-૩ તેમજ ભાવનગરમાં- ૨ એમ કુલ -૧૫૨નો સમાવેશ થાય છે.
2017માં શરૂ કરવામાં આવી હતી યોજના
ગુજરાતમાં 6 લાખ જેટલા શ્રમિકો નોંધાયેલા છે. ત્યારે વિજય રૂપાણી સરકારે 2017 માં 50 કરોડ રૂપિયાના ભંડોળ સાથે ગુજરાતમાં 84 સ્થળોએ શ્રમિક અન્નપૂર્ણા યોજના પાયલોટ પ્રોજેકટ સ્વરૂપે શરૂ કરી હતી. જેમાં ગુજરાતના શહેરોના કડીયાનાકે શ્રમિકોને 10 રૂપિયામાં દાળ-ભાત, શાક, રોટલી જેવું પોષણયુક્ત ભોજન મળી રહે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
સવારે 07 થી 11 વાગ્યા સુધી શ્રમિકોને ભોજન મળતું હતું. જે માટે શ્રમિકોએ રજિસ્ટ્રેશન કરાવતા એક ચોપડી અપાતી. જેમાં એન્ટ્રી કરીને અને આધારકાર્ડ બતાવીને શ્રમિકો ભોજન મેળવતા હતા.