મુખ્યમંત્રી ગુજરાતના આ જિલ્લાને 358 કરોડ રુપિયાના વિકાસ કામોની ભેટ આપશે
ગાંધીનગર: ડીસામાં રૂપિયા 80 કરોડના ખર્ચે નિર્માણ થનારી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને 6 અંતરિયાળ ગામોમાં પેટા આરોગ્ય કેન્દ્રના ખાતમુહૂર્ત
ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉત્તર ગુજરાતના સરહદી ગામ સુઈગામથી ગુરૂવાર ૨૪મી જુલાઈએ એક જ દિવસમાં ૩૫૮.૩૭ કરોડ રૂપિયાના બહુવિધ વિકાસ કામોની ભેટ બનાસકાંઠાને આપશે. મુખ્યમંત્રી ગુરુવારે સવારે 10:00 કલાકે સુઈગામ પહોંચશે અને ત્યાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રૂ. ૧.૮૩ કરોડના ખર્ચે નવનિર્મિત બસ મથકનું લોકાર્પણ કરશે. એસ.ટી. નિગમ દ્વારા આગામી દિવસોમાં નાગરિકોની સેવા માટે મૂકવામાં આવનારી ૧૯૬૩ નવિન બસોના પ્રથમ ચરણમાં ૧૧ નવિન બસોને તેઓ ફ્લેગઓફ પણ આપવાના છે.
આ ઉપરાંત નડાબેટ ખાતે યોજાનારા કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાને આરોગ્ય, માર્ગ મકાન, શિક્ષણ, ઉર્જા સહિતના વિભાગોના ૫૫.૬૮ કરોડ રૂપિયાના ઈ-લોકાર્પણ અને ૩૦૨.૬૯ કરોડના ઈ-ખાતમુહૂર્ત કામો સીએમ ભૂપેન્દ્ર પટેલ સંપન્ન કરશે.
રાજ્ય સરકારે છેવાડાના ગામોના બાળકોને પણ શાળા-શિક્ષણ મળી રહે તે માટે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત શાળાઓના વર્ગખંડોનું નિર્માણ હાથ ધરેલું છે. બનાસકાંઠામાં આવા ૪૫ નવા વર્ગખંડોના લોકાર્પણ અને ૫૪ના ખાતમુહૂર્ત ગુરુવારે યોજાનારા કાર્યક્રમમાં થશે. બનાસકાંઠા જિલ્લાના ગામોમાં ગુણવત્તા યુક્ત વીજળી પુરવઠો પૂરો પાડવાના હેતુથી અંદાજે રૂપિયા 29 કરોડ ના ખર્ચે નિર્માણ થયેલા 66 કે.વી ના 3 સબ સ્ટેશનના લોકાર્પણ અને બે સબ સ્ટેશનના ખાતમુહર્ત તેઓ કરશે.
મુખ્યમંત્રી આ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા બાદ નડાબેટ બોર્ડર આઉટ પોસ્ટ ખાતે બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો સાથે સંવાદ-મુલાકાત અને નડેશ્વરી માતાના મંદિરે પૂજન-દર્શન પણ કરવાના છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને બનાસકાંઠા જિલ્લા પ્રભારી તથા ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપુત અને પદાધિકારીઓ આ સમારોહમાં મુખ્યમંત્રી સાથે સહભાગી થશે.
આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી સાત દિવસ હળવાથી લઈ માધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. બે વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં 26 થી 29 ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. પાંચ દિવસ સુધી માછીમારો દરિયો ન ખેડવાનું સૂચન હવામાન વિભાગે આપ્યું છે.
આજે પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ આજે હવામાન વિભાગે વરસાદની ચેતવણી આપી છે.
કાલે આ જિલ્લાઓમાં વરસાદનું અનુમાન
આવતીકાલે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં અમરેલી, ગીરસોમનાથ, જૂનાગઢ, બોટાદ, ભાવનગર, પોરબંદર, દ્વારકા અને રાજકોટમાં સામાન્યથી લઈ ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ ક્યાંક સામાન્ય તો ક્યાંક ભારે વરસાદ વરસી શકે છે. રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે. આ વરસાદી માહોલથી ખેડૂત પણ ખુશખુશાલ છે.





















