ગાંધીનગરની ગટર સમસ્યાનો અંત લાવવા મુખ્યમંત્રીની મોટી જાહેરાત, ૬૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા
જાસપુર STP સહિત ગંદા પાણીના નિકાલ અને વરસાદી પાણી વ્યવસ્થાપન માટે ભંડોળ મંજૂર, નવા વિસ્તારોમાં ડ્રેનેજ સુવિધા થશે સુદ્રઢ.

Gandhinagar sewage problem: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર મહાનગરપાલિકાના નાગરિકો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેમણે શહેરની ગંદા પાણીના નિકાલ વ્યવસ્થાપન, સ્ટ્રોમ વોટર ડિસ્પોઝલ નેટવર્ક અને સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) સહિતના વિવિધ કામો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂ. ૬૦૬.૩૪ કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
આ ફાળવણી અંતર્ગત જાસપુર STP અને તેને સંલગ્ન કામો માટે રૂ. ૨૪૫ કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત, ગાંધીનગર મહાનગરપાલિકાની હદ વિસ્તરણમાં સમાવિષ્ટ થયેલા નવા ગામતળ અને નવા ટી.પી. વિસ્તારોમાં ડ્રેનેજ અને વોટર ડિસ્ટ્રીબ્યુશન સહિતના કામો માટે રૂ. ૩૬૧.૩૪ કરોડનો ઉપયોગ કરવામાં આવશે.
હાલમાં ગાંધીનગરના સેક્ટર ૧ થી ૩૦ અને આસપાસના બોરીજ, પાલજ, બાસણ, ધોળાકુવા, ઈન્દ્રોડા, આદિવાડા અને ગોકુળપુરા ગામોના અંદાજે ૬૦ MLD ડ્રેનેજના પાણીને સરગાસણ પંપિંગ સ્ટેશન ખાતે એકત્રિત કરીને જાસપુરમાં આવેલા ૭૬ MLD ની ક્ષમતાવાળા STP માં મુખ્ય લાઈન દ્વારા ટ્રીટ કરવામાં આવે છે. પરંતુ મહાનગરપાલિકાનો વિસ્તાર વધવાથી વસ્તી અને પાણીના વપરાશમાં વધારો થયો છે, જેના કારણે વધારાનું ૨૨ MLD પાણી પણ સરગાસણથી જાસપુર જતી ડ્રેનેજ લાઈનમાં મોકલવામાં આવે છે.
આ ઉપરાંત, ગાંધીનગરના કેટલાક ટી. પી. વિસ્તારો, ખોરજ ગામ અને ગુડા વિસ્તારનું વધારાનું ૨૭ MLD ડ્રેનેજનું પાણી અડાલજ પંપિંગ સ્ટેશનથી પંપિંગ દ્વારા જાસપુર STP તરફ જતી લાઈનમાં મોકલવામાં આવે છે. પરિણામે, જાસપુર STP ની ૭૫ MLD ની ક્ષમતા સામે ૧૦૯ MLD ડ્રેનેજ વોટર એકત્રિત થાય છે.
આ વધારાના પાણીના કારણે જાસપુર STP, અદાણી કેમ્પસ, ખોરજ ગામ અને અડાલજ ત્રિમંદિર ક્લોવર લીફ ખાતે ઇનલેટ અને આઉટલેટની મેઈન લાઈન ઓવરફ્લો થવાની સમસ્યા સર્જાય છે, જેના લીધે આ વિસ્તારોમાં ગટરનું ગંદુ પાણી ગ્રામ્ય વિસ્તારો, ખેતરો અને રોડ-રસ્તા પર ફરી વળે છે. આના કારણે આસપાસના વિસ્તારોમાં રોગચાળો ફેલાવવાની પણ શક્યતાઓ વધી જાય છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ધ્યાને આ બાબત આવતા તેમણે તાત્કાલિક આ સમસ્યાના નિરાકરણ માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ ફંડની ફાળવણીથી સરગાસણથી જાસપુર સુધીની ૧૧ કિલોમીટરની અને ૨૦ વર્ષથી વધુ જૂની ગ્રેવીટી મેઇન લાઈનને પણ બદલવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયથી ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં ગટરના ગંદા પાણીની સમસ્યાથી લોકોને ટૂંક સમયમાં મુક્તિ મળશે અને નાગરિકોના આરોગ્ય અને સુખાકારીમાં નોંધપાત્ર સુધારો થશે. આ નિર્ણય રાજ્ય સરકારની નાગરિકોને સુવિધાઓ પૂરી પાડવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.





















