(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Election: ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સહ પ્રભારી બનવા પર રાધવ ચઢ્ઢાએ શું આપ્યું નિવેદન, જાણો
આમ આદમી પાર્ટી (AAP) એ રાઘવ ચઢ્ઢાને ગુજરાતમાં પાર્ટીના સહ-પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે. આ અંગે AAP નેતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે જનતા અમને તક આપવા તૈયાર છે.
Gujarat Assembly Election: આમ આદમી પાર્ટી (AAP) એ રાઘવ ચઢ્ઢાને ગુજરાતમાં પાર્ટીના સહ-પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે. આ અંગે AAP નેતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે જનતા અમને તક આપવા તૈયાર છે. એબીપી ન્યૂઝ સાથે વાત કરતાં તેમણે તેમના રાજકીય માર્ગદર્શક સીએમ અરવિંદ કેજરીવાલનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે ગુજરાતમાં 27 વર્ષથી ભાજપ સરકારથી લોકો કંટાળી ગયા છે. આ વખતે જનતા પરિવર્તન માટે અરવિંદ કેજરીવાલને તક આપવા તૈયાર છે. આગામી સમયમાં ગુજરાતમાં ભાજપ વિરુદ્ધ આમ આદમી પાર્ટીનો મુકાબલો થશે.
કોંગ્રેસ રેસમાં નથી
ગુજરાતની ચૂંટણીની કોંગ્રેસ ક્યાંય રેસમાં નથી કારણ કે લોકોના મનમાં એવી ધારણા છે કે કોંગ્રેસને મત આપીશું તો અમારો મત બગડી જશે. રાહુલ ગાંધી ભારત જોડો અભિયાન સમાપ્ત કરશે ત્યાં સુધીમાં કોંગ્રેસ છોડો અભિયાન શરૂ થઈ જશે. દિલ્હીમાં 15 વર્ષ સુધી શીલા દીક્ષિત મુખ્યમંત્રી હતા, તે પછી લોકો પાસે ભાજપનો વિકલ્પ હતો, પરંતુ લોકોએ AAPને વોટ આપીને અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી બનાવ્યા.
ભાજપના મનમાં અરવિંદ કેજરીવાલનો ડર
AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે આ લોકો (BJP) દ્વારા જે મુદ્દાઓ અને ભાષા ઉઠાવવામાં આવી રહી છે તે દર્શાવે છે કે તેમના મનમાં અરવિંદ કેજરીવાલનો કેટલો ડર છે. પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ જેટલી બૂમો પાડે છે અને ખરાબ બોલે છે તેટલી તેમની ગભરાહટ દેખાય છે. જ્યારે ભાજપ ગભરાય છે, ED આગળ કરે છે. ED અને CBIના દરોડાની ગુજરાત ચૂંટણી પર કોઈ અસર નહીં થાય. કાશ્મીરથી કન્યાકુમારી સુધી કેજરીવાલ મોડલની ચર્ચા થાય છે.
યુવાનો માટે શું કરશો?
ગુજરાતમાં રોજગાર એ એક મોટો મુદ્દો છે, જેને લઈને યુવાનો વચ્ચે જશું. ગુજરાતમાં જેને ઇન્ડસ્ટ્રીઝ સ્ટેટ કહેવામાં આવે છે, ત્યાં પણ યુવાનો બેરોજગાર છે. અમારી પ્રાથમિકતા આ સમસ્યાનો ઉકેલ લાવવાની રહેશે.
કેજરીવાલ-સિસોદીયા આવશે ગુજરાત
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવવાની સાથે જ રાજ્યમાં પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને દિલ્હી સીએમ તથા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની મુલાકાતો વધી રહી છે. દિલ્હી સીએમ કેજરીવાલ અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદીયા ફરી એકવાર ગુજરાત મુલાકાતે આવશે.
આપ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ 20 સપ્ટેમ્બરે વડોદરા આવશે. અરવિંદ કેજરીવાલ પ્રેસ કોન્ફરન્સ કરશે અને ટાઉનહોલ કાર્યક્રમના માધ્યમથી ગુજરાતની જનતા સમક્ષ પોતાની વાત રજૂ કરશે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા 21 સપ્ટેમ્બરે અમદાવાદ આવશે. મનીષ સિસોદિયા સાબરમતી આશ્રમ ખાતે ગાંધીજીના દર્શન કરશે. જે બાદ તેઓ ગુજરાત યાત્રાની શરૂઆત કરશે. મનીષ સિસોદિયા સમગ્ર ઉત્તર ગુજરાતમાં યાત્રા કરી લોકોને પરિવર્તન લાવવા માટે હાકલ કરશે.