કાંતિ અમૃતિયાના 'રાજકીય નાટક' પર કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન – ‘બંને મળીને પ્રજાને.....’
ભ્રષ્ટાચાર અને વિકાસના મુદ્દે લડવાને બદલે 'ધ્યાન ભટકાવવાના નાટકો' થતા હોવાનો આરોપ.

Kanti Amrutia Vs Gopal Italia: ગાંધીનગરમાં (Gandhinagar) મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાના (Kanti Amrutia) રાજકીય વર્તન અંગે ગુજરાત કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ (Amit Chavda) આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે, ભાજપની "ડબલ એન્જિન" સરકારમાં તમામ લોકો પરેશાન છે, અને આવા 'નાટકો' કરીને પ્રજાનું ધ્યાન મૂળભૂત મુદ્દાઓ પરથી ભટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
પ્રજાને ટેક્સના બદલામાં સુખ-શાંતિ મળવી જોઈએ: ચાવડા
અમિત ચાવડાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "પ્રજાને ટેક્સના બદલામાં, સલામતી અને સુખાકારી મળવી જોઈએ." તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ધારાસભ્યોએ પોતાના વિસ્તારમાં વિકાસ નથી થતો તે મુદ્દે લડવું જોઈએ અને જ્યાં ભ્રષ્ટાચાર થાય છે તે બાબતે લડત આપી રાજીનામાની ઓફર કરવી જોઈએ, નહીં કે અન્ય કોઈ મુદ્દે.
ચાવડાએ આક્ષેપ કર્યો કે, "બંને મળીને પ્રજાને અન્ય રસ્તે ધ્યાન ભટકાવવા આ બધું ચાલી રહ્યું છે." તેમના મતે, આવા 'નાટકો' ફક્ત "પબ્લિસિટી મેળવવા" માટે થાય છે, જેનો અનુભવ પ્રજાને થઈ રહ્યો છે. તેમણે આ પ્રકારની ઘટનાઓને "અયોગ્ય" ગણાવી અને કહ્યું કે, "આવું ન થવું જોઈએ." આ નિવેદનો ગુજરાતના રાજકારણમાં નવો વળાંક લાવી શકે છે, ખાસ કરીને જ્યારે મોરબીનો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં છે.
મોરબીમાં રાજકીય ગરમાવો
સૌરાષ્ટ્રના રાજકારણમાં હાલ વિસાવદર બાદ મોરબી સૌથી વધુ ચર્ચામાં છે. આ ચર્ચાના કેન્દ્રમાં છે સ્થાનિક ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા વચ્ચેની 'રાજીનામાની ચેલેન્જ'. આ પડકાર બાદ આજે, સોમવારે, 14 જુલાઈ, 2025 ના રોજ મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ગાંધીનગર જવા માટે રવાના થયા હતા, ત્યારે તેમની સાથે મોટી સંખ્યામાં ટેકેદારોનો કાફલો જોડાયો હતો.
ABP અસ્મિતા સાથેની વાતચીતમાં કાંતિભાઈ અમૃતિયાએ આ મુદ્દે આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, "એકવાર, બે વાર, પાંચવાર અમે પ્રયત્ન કરીશું. હું રાજીનામું ન આપું તો મારા બાપમાં ફેર અને એ ન આપે તો એના બાપમાં ફેર." અમૃતિયાએ ઉમેર્યું કે, "મેં કંઈ પાટીલ સાહેબને પૂછ્યું નથી, હું એકવાર વટે ચડ્યા બાદ કડા પરથી નથી ઉતરી શકતો." તેમના આ નિવેદનો દર્શાવે છે કે તેઓ આ પડકારને અત્યંત ગંભીરતાથી અને વ્યક્તિગત રીતે લઈ રહ્યા છે.
કાન-ગોપાલની લડાઈ
કાંતિભાઈ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયા પર સીધા પ્રહારો કરતા કહ્યું કે, "મોરબીમાં એના પ્રમુખ અને કાર્યકરો બોલ્યા હતા કે ગોપાલ ઇટાલિયા અહીં આવશે. પછી મેં કહ્યું ભલે આવે, લડવા આવે તો એ મને વાંધો નથી. ગોપાલ ઇટાલિયા ઓટલા પર બેસીને ખોટા નાટકો કરે છે." તેમણે ભૂતકાળના રાજકીય સંઘર્ષોનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે, જ્યારે નરેન્દ્રભાઈ (વડાપ્રધાન) અને રૂપાલા સાહેબને (કેન્દ્રીય મંત્રી) લડવું હતું, ત્યારે પણ તેમણે કહ્યું હતું કે હું સીટ ખાલી કરી દઈશ. અમૃતિયાએ પડકાર ફેંકતા કહ્યું કે, "ત્યાં ગાંધીનગરમાં જઈને જોશું કોને તેલ રડાય છે કોના પેટમાં તેલ રેડાય છે."
તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે, ઈશુદાન ગઢવી તેમને વર્ષોથી ઓળખે છે અને તેમના ભાઈબંધ છે. જોકે, પોતાના રાજીનામાના મુદ્દે પાર્ટી (ભાજપ) દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી તેમ તેમણે જણાવ્યું. તેમણે ભારપૂર્વક કહ્યું કે, "આ મારી વ્યક્તિગત લડાઈ છે."
આજે મોરબીમાં જોવા મળેલા આ હાઈ-પ્રોફાઈલ ડ્રામાને રાજકીય વર્તુળોમાં "કાન-ગોપાલની લડાઈમાં એકેયની જીત નહીં" એવું વાતાવરણ સર્જાયું છે. કાંતિ અમૃતિયા પોતાના ટેકેદારો સાથે ગાંધીનગર રાજીનામું આપવા માટે નીકળ્યા હોવાથી, આગામી સમયમાં ગુજરાતના રાજકારણમાં આ મુદ્દો વધુ ગરમાશે અને તેના પરિણામો પર સૌની નજર રહેશે.





















