2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા રાહુલ ગાંધીનો માસ્ટર પ્લાન, 33 જિલ્લામાં જઈને....
Gujarat Assembly Elections: માત્ર રાહુલ ગાંધી જ નહીં, પ્રિયંકા ગાંધી પણ આવનારા દિવસોમાં ગુજરાતમાં સક્રિય રહેશે.

Rahul Gandhi Gujarat Tour: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવનારા મે અથવા જૂન મહિનાથી ગુજરાતમાં તંબુ તાણવાની તૈયારીમાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધી 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસનું સંગઠન પાયામાંથી મજબૂત કરવા માટે ગુજરાતના તમામ 33 જિલ્લાઓમાં પ્રવાસ કરશે.
રાજ્યના કોંગ્રેસ સંગઠનના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે, "પાર્ટી અધિવેશન સમાપ્ત થયા બાદ તરત જ રાહુલ ગાંધી ગુજરાતમાં જોવા મળશે. તેઓ દરેક જિલ્લા સંગઠન સાથે સીધો સંવાદ કરશે અને આગામી ચૂંટણીઓની તૈયારીઓની સમીક્ષા કરશે."
માત્ર રાહુલ ગાંધી જ નહીં, પ્રિયંકા ગાંધી પણ આવનારા દિવસોમાં ગુજરાતમાં સક્રિય રહેશે. કેન્દ્રીય કમિટી સાથે મળીને ગુજરાત કોંગ્રેસ રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ ડિઝાઇન કરી રહી છે.
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિની ગુજરાત પ્રભારી સુહાસિની યાદવે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, "રાહુલ ગાંધી ગુજરાતને ખૂબ મહત્વ આપી રહ્યા છે. તેઓ પાર્ટીના કાર્યકર્તાઓ સાથે સીધા સંપર્કમાં રહેવા માંગે છે અને સંગઠનને ગ્રામીણ સ્તર સુધી મજબૂત કરવા તેમનું લક્ષ્ય છે."
આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય 2027ની વિધાનસભા ચૂંટણી માટે સંગઠનને મજબૂત કરવાનો છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકાથી ભાજપનું શાસન રહ્યું છે અને કોંગ્રેસ આ વખતે મજબૂત દાવેદારી પેશ કરવા માંગે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનને પાયામાંથી મજબૂત કરવા પર ભાર આપશે. તેઓ જિલ્લા સ્તરે કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કરવા અને સ્થાનિક મુદ્દાઓને સમજવા માટે ખાસ ધ્યાન કેન્દ્રિત કરશે.
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તાએ જણાવ્યું કે, "રાહુલ ગાંધીનો આ ગુજરાત પ્રવાસ ચૂંટણી જીતવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. આ પ્રવાસ દ્વારા કોંગ્રેસ કાર્યકર્તાઓને નવી ઊર્જા મળશે અને 2027ની ચૂંટણીમાં વિજય મેળવવા માટે પાર્ટી તૈયાર થઈ શકશે."
રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે રાહુલ ગાંધીએ અમદાવાદમાં કાર્યકરોને સંબોધન કર્યું હતું. કાર્યકર્તા સંવાદમાં રાહુલ ગાંધીએ નિવેદન આપતા કહ્યું કે, કાલે હું આવ્યો અને સિનિયર નેતાઓને મળ્યો. મારો હેતુ હતો કે તમારા દિલની વાત સાંભળું અને સમજુ. મારી અને કોંગ્રેસની ગુજરાતમાં શું જવાબદારી બને છે. હું ગુજરાતમાં માત્ર કોંગ્રેસ પક્ષ માટે નથી આવ્યો.
આ પણ વાંચો...
આણંદમાં UCC સમિતિએ નાગરિકોના અભિપ્રાયો જાણવા બેઠક યોજી, વિવિધ ધર્મના આગેવાનો રહ્યા હાજર

