કોરોના વાયરસના કેસમાં વધારો થતા આ રાજ્યમાં નાઈટ કર્ફ્યૂ લાગૂ, જાણો
કોરોના (Coronavirus) ના નવા વેરિઅન્ટ ઓમિક્રોન (Omicron) ના સતત વધી રહેલા કેસ વચ્ચે મધ્યપ્રદેશ સરકારે નાઈટ કર્ફ્યૂ લાગૂ કરવાની જાહેરાત કરી છે.
કોરોના (Coronavirus) ના નવા વેરિઅન્ટ ઓમિક્રોન (Omicron) ના સતત વધી રહેલા કેસ વચ્ચે મધ્યપ્રદેશ સરકારે નાઈટ કર્ફ્યૂ લાગૂ કરવાની જાહેરાત કરી છે.મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે (Shivraj Singh Chouhan) રાત્રીના 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ લાગૂ કરવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ તમામ નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે મધ્ય પ્રદેશમાં ઘણા મહિનાઓ પછી કોવિડના 30 નવા કેસ મળી આવ્યા છે. મહારાષ્ટ્ર, ગુજરાત અને દિલ્હી એમ ત્રણેય રાજ્યોમાં એક અઠવાડિયા કરતાં વધુ સમયથી કેસ આવી રહ્યા છે. આ રાજ્યોમાંથી લોકો મધ્ય પ્રદેશમાં આવતા રહે છે.
શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન દેશના 16 રાજ્યોમાં પહોંચ્યો છે. મધ્યપ્રદેશમાં આ પ્રકારનો કેસ નહીં આવે તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી. ઓમિક્રોન ખૂબ જ ઝડપથી ફેલાય છે.
તેમણે કહ્યું, "આવી સ્થિતિમાં, આપણે સાવચેત રહેવાની જરૂર છે. કોવિડની ત્રીજી લહેરને આવતા રોકો. ચેપ ઝડપથી ન ફેલાય તેની ખાતરી કરવા માટે પગલાં લો. માસ્ક પહેરો, બિનજરૂરી ઘરની બહાર ન નીકળો, રસીકરણ કરાવો.
ગુજરાતમાં કોરોનાના કેસનો આંકડો 100ને પાર
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. પાંચ મહિના બાદ ગુજરાતમાં કોરોનાના કેસ 100ને પાર થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 111 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 78 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,18,129 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.70 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે બે મોત થયા છે. આજે 2,13,972 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 43, સુરત કોર્પોરેશન 17, રાજકોટ કોર્પોરેશનમાં 11,વડોદરા કોર્પોરેશન 10, કચ્છ 5, વલસાડ 5, ખેડા 4, નવસારી 4, આણંદ 3, રાજકોટ 3, મહીસાગર 2, ભાવનગર કોર્પોરેશનમાં 1, સાબરકાંઠા 1, સુરત 1, વડોદરા 1 નવો કેસ નોંધાયો હતો.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 668 કેસ છે. જે પૈકી 12 વેન્ટીલેટર પર છે, જ્યારે 656 નાગરિકો સ્ટેબલ છે. 8,18,129 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10108 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે આણંદ 1 અને જામનગર કોર્પોરેશનમાં 1 મોત થયું છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 3 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 676 લોકોને બીજો ડોઝ અપાયો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 5878 લોકોને પ્રથમ અને 47900 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 20924 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 138591 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 2,13,972 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,78,97,734 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.