(Source: ECI/ABP News/ABP Majha)
Cyrus Mistry Death: સાયરસ મિસ્ત્રીનું અકસ્માત બાદ તરત જ મોત કઈ રીતે થયું? પોસ્ટમોર્ટ રિપોર્ટમાં થયો આ ખુલાસો
ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રી અને તેમના મિત્ર જહાંગીર પંડોલેનું એક કાર અકસ્માતમાં મોત થયું હતું.
Cyrus Mistry Post Mortem Report: ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રી અને તેમના મિત્ર જહાંગીર પંડોલેનું એક કાર અકસ્માતમાં મોત થયું હતું. મળતી માહિતી મુજબ, સાયરસ મિસ્ત્રી અને જહાંગીર પંડોલેને અકસ્માતમાં ઘણી ઈજાઓ થઈ હતી અને 'બ્લન્ટ થોરેક્સ ટ્રોમા'ને કારણે તરત જ મૃત્યુ થયું હતું. જેજે હોસ્પિટલના મેડિકલ ઓફિસરે મંગળવારે આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે મિસ્ત્રીને થયેલી ઈજાના કારણે શરીરની અંદર લોહી પણ વહી રહ્યું હતું. મિસ્ત્રી અને પંડોલે રવિવારે બપોરે અન્ય બે વ્યક્તિઓ સાથે ગુજરાતથી મુંબઈ જઈ રહ્યા હતા ત્યારે તેમની કાર મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં સૂર્યા નદી પરના પુલ પરના ડિવાઈડર સાથે અથડાઈ હતી.
આ અકસ્માતમાં કારમાં પાછળ બેઠેલા મિસ્ત્રી અને જહાંગીરનું મોત થયું હતું. ગાયનેકોલોજિસ્ટ અનાહિતા પંડોલે કાર ચલાવી રહી હતી અને તેમના પતિ ડેરિયસ પંડોલે પણ આગળ બેઠા હતા જે બચી ગયો હતા. મિસ્ત્રી અને જહાંગીરના મૃતદેહોને બાદમાં જેજે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. મેડિકલ ઓફિસરે જણાવ્યું હતું કે મિસ્ત્રી અને પંડોલે બંનેના શરીર પર અચાનક આંચકો લાગ્યો હતો કારણ કે, કાર ફુલ સ્પિડમાં હતી. આના પરિણામે તેમને ઘણી ઇજાઓ થઈ હતી અને તેની અસર રુપે બ્લન્ટ થોરેક્સ ટ્રોમા થયો હતો.
ઓટોપ્સી રિપોર્ટમાં પણ આ બાબતો બહાર આવી
તેમણે કહ્યું કે, અકસ્માતને કારણે સાયરસ મિસ્ત્રીના શરીરની અંદરની ધમનીઓ ફાટી ગઈ હતી, જેના કારણે આંતરિક રક્તસ્રાવ થયો હતો. જો કે, પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માત્ર થોડા લક્ષણો જોવા મળ્યા હતા. વિગતવાર વિશ્લેષણમાં બધું સ્પષ્ટ થશે અને મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે. તેમણે કહ્યું કે પ્રમાણભૂત પ્રક્રિયા મુજબ, વિસેરાના નમૂનાને તપાસ માટે કાલીનાની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવશે.
સાયરસ મિસ્ત્રીના અંતિમ સંસ્કાર કરાયા
તમને જણાવી દઈએ કે ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના અંતિમ સંસ્કાર મંગળવારે સવારે 11 વાગ્યે વર્લીના સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા. રતન ટાટાની સાવકી માતા સિમોન ટાટા પણ અન્ય ઘણા લોકો સાથે તેમના અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા. નોંધપાત્ર વાત એ છે કે, સાયરસ મિસ્ત્રીને અચાનક ટાટા સન્સના ચેરમેન પદેથી હટાવી દેવામાં આવ્યા હતા, ત્યારબાદ ટાટા ગ્રુપ અને મિસ્ત્રી વચ્ચેનો વિવાદ કોર્ટમાં પહોંચ્યો હતો.