Mohammad Zubair Bail: પત્રકાર મોહમ્મદ ઝુબેરને સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા, યુપી પોલીસને નોટિસ જારી
સોલિસિટર જનરલે કહ્યું કે એફઆઈઆર 1 જૂને નોંધવામાં આવી હતી અને 10 જૂને હાઈકોર્ટે એફઆઈઆર રદ કરવાનો ઈન્કાર કરી દીધો હતો.
Mohammad Zubair Bail: ફેક્ટ ચેકર અને ઓલ્ટ ન્યૂઝના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબેરને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ઝુબેરને વચગાળાના જામીન આપવાનો નિર્ણય સંભળાવ્યો છે. એટલું જ નહીં, ઝુબેરની અરજી પર સુપ્રીમ કોર્ટે યુપી પોલીસને નોટિસ પાઠવીને જવાબ પણ માંગ્યો છે. આ પહેલા ઝુબેરની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દીધી હતી અને તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. જે બાદ ઝુબૈરે સુપ્રીમ કોર્ટમાં રાહત માટે અપીલ કરી હતી.
કોર્ટમાં શું થયું?
મોહમ્મદ ઝુબેરની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ઝુબૈરે પોતાના જીવને જોખમ હોવાનું જણાવીને જામીન આપવા માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. પરંતુ સુનાવણી દરમિયાન કોર્ટમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જામીન ન આપવાની ભલામણ કરી હતી. તેણે કહ્યું કે ઝુબૈરે માત્ર ટ્વીટ જ નથી કર્યું, પરંતુ તેને આવા ગુના કરવાની આદત છે.
સોલિસિટર જનરલે કહ્યું કે એફઆઈઆર 1 જૂને નોંધવામાં આવી હતી અને 10 જૂને હાઈકોર્ટે એફઆઈઆર રદ કરવાનો ઈન્કાર કરી દીધો હતો. જે બાદ અનેક તથ્યો છુપાવીને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. તેના પર સુપ્રીમ કોર્ટના જજે પૂછ્યું, શું તેની ધરપકડ થઈ છે? જવાબમાં મહેતાએ કહ્યું હતું કે કોર્ટના આદેશથી પોલીસ કસ્ટડીમાં છે. આ તમામ હકીકતો સુપ્રીમ કોર્ટથી છુપાવવામાં આવી હતી. આ ગંભીર બાબત છે.
નફરત ફેલાવનારા મુક્ત ફરે છે - ઝુબેરના વકીલ
આ પછી, ઝુબેરના વકીલ કોલિન ગોન્સાલ્વિસે કહ્યું કે, અમને ગઈકાલે રાત્રે સીતાપુર કોર્ટમાંથી જામીન રદ કરવાનો આદેશ મળ્યો. અમે હાઇકોર્ટના આદેશને પડકાર્યો છે જેણે કેસ રદ કરવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ કોર્ટે કહ્યું કે જામીન રદ કરવાને પડકારવાનો બીજો કાનૂની રસ્તો છે, એવું નથી. ગોન્સાલ્વિસે પછી ઝુબેરના ટ્વીટને ટાંકીને કહ્યું કે તેણે કંઈ ખોટું કર્યું નથી. તેણે કોર્ટને જણાવ્યું કે બેંગ્લોરથી ફોન કબજે કરવાના નામે પોલીસ કસ્ટડી આપવામાં આવી છે. જ્યારે હું કબૂલ કરું છું કે મેં ટ્વીટ કર્યું છે તો ફોન જપ્ત કરવાનો પ્રશ્ન શા માટે ઉભો થાય છે. જેણે નફરત કરનારાઓની માહિતી બહાર પાડી તે જેલમાં છે. દ્વેષીઓ આઝાદ ફરે છે.