Buddhadeb Died: પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યનું 80 વર્ષની વયે નિધન, હૉસ્પીટલમાં ચાલી રહી હતી સારવાર
Buddhadeb Bhattacharjee: પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યનું આજે ગુરુવારે સવારે 8.20 વાગ્યે નિધન થયું છે
Buddhadeb Bhattacharjee Died: પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યનું આજે ગુરુવારે સવારે 8.20 વાગ્યે નિધન થયું છે. તેમને 80ની વયે અંતિમ શ્વાસ લીધા છે. નિધનના સમાચારથી સમગ્ર પશ્ચિમ બંગાળમાં શોકનું મોજ પ્રસરી ગયુ છે. બુદ્ધદેવ ભટ્ટાચાર્ય વૂડલેન્ડ્સ હૉસ્પિટલમાં સારવાર હેઠળ હતા, તેમને શ્વાસ લેવામાં તકલીફ થતાં 29 જુલાઈએ વુડલેન્ડ્સ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. CPI(M)ના રાજ્ય સચિવ મોહમ્મદ સલીમે તેમના નિધનની માહિતી શેર કરી છે. તેમના નિધનના સમાચાર મળતા જ રાજકીય જગત સહિત દેશભરમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. બંગાળમાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ બુદ્ધદેવ ભટ્ટાચાર્યના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
બુદ્ધદેવ ભટ્ટાચાર્ય કૉમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસિસ્ટ) ના પૉલિટબ્યૂરોના સભ્ય હતા અને 2000 થી 2011 સુધી પશ્ચિમ બંગાળના 7મા મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. તેઓ બંગાળમાં ડાબેરી મોરચાના છેલ્લા મુખ્યમંત્રી હતા.
લાંબા સમય સુધી રહ્યાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી
બુદ્ધદેવ ભટ્ટાચાર્યએ 2000માં પક્ષના વરિષ્ઠ નેતા જ્યોતિ બસુની જગ્યાએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેઓ 2011 સુધી મુખ્યમંત્રી પદ પર રહ્યાં. 2011માં રાજ્યમાં સત્તા ગુમાવ્યા બાદ ભટ્ટાચાર્યની આગેવાની હેઠળની કૉમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્કસિસ્ટ (સીપીઆઈ-એમ) સત્તામાં પરત ફરી શકી નથી.
ટીએમસીએ ખતમ કર્યુ હતુ શાસન
રાજ્યમાં સીપીઆઈ(એમ)ના 34 વર્ષના શાસનને સમાપ્ત કરીને તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) સત્તા પર આવી અને મમતા બેનર્જી પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન બન્યા. બુદ્ધદેવ ભટ્ટાચાર્ય ખરાબ તબિયતના કારણે લાંબા સમયથી જાહેર જીવનથી દૂર છે. તેમણે 2015માં CPI(M) સેન્ટ્રલ કમિટિમાંથી રાજીનામું આપ્યું હતું અને પછી 2018માં પાર્ટીના રાજ્ય સચિવાલયની સદસ્યતા પણ છોડી દીધી હતી.
બંગાળમાં ઔદ્યોગિકીકરણ અભિયાનની શરૂઆત
એક સમય માટે કૃષિ પશ્ચિમ બંગાળની આવકનો મુખ્ય સ્ત્રોત હતો, પરંતુ બુદ્ધદેવે ઔદ્યોગિકીકરણ અભિયાન શરૂ કરીને આ પરિસ્થિતિને બદલવા માટે તેમના રાજકીય જીવનનું સૌથી મોટું જોખમ લીધું. તેમણે બંગાળમાં ફેક્ટરીઓ સ્થાપવા માટે વિદેશી અને રાષ્ટ્રીય મૂડીને આમંત્રણ આપ્યું. આમાં વિશ્વની સૌથી સસ્તી કાર ટાટા નેનો પણ સામેલ હતી, જેનો પ્રોડક્શન પ્લાન્ટ કોલકાતા નજીક સિંગુરમાં સ્થાપિત કરવામાં આવ્યો હતો.
આ સિવાય રાજ્યમાં અન્ય મોટા પ્રોજેક્ટ્સ શરૂ કરવાની પણ તેમની યોજના હતી, પરંતુ સ્થાનિક સ્તરે વિરોધને કારણે તેઓ સફળ થઈ શક્યા ન હતા અને તેમની પાર્ટીને 2009ની લોકસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી 2011ની વિધાનસભા ચૂંટણીમાં પણ તેઓ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના ઉમેદવાર મનીષ ગુપ્તાથી હાર્યા હતા. ત્યારબાદ મનીષ ગુપ્તાએ બુદ્ધદેવ ભટ્ટાચાર્યને 16,684 મતોના જંગી અંતરથી હરાવ્યા હતા.