Diwali 2022: રોજગાર મેળાના લોન્ચિંગ સાથે દિવાળી પર યુવાનોને આ મોટી ભેટ આપશે PM મોદી
22 ઑક્ટોબર, 2022 ના રોજ, દિવાળી પહેલા, ધનતેરસના દિવસે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 10 લાખ લોકોને રોજગાર આપવા માટે રોજગાર મેળો શરૂ કરવા જઈ રહ્યા છે.
Central Government Jobs: 22 ઑક્ટોબર, 2022 ના રોજ, દિવાળી પહેલા, ધનતેરસના દિવસે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 10 લાખ લોકોને રોજગાર આપવા માટે રોજગાર મેળો શરૂ કરવા જઈ રહ્યા છે. આ રોજગાર મેળા હેઠળ પ્રથમ તબક્કામાં 75,000 લોકોની ભરતી કરવામાં આવશે. આ 75000 લોકોને નિમણૂક પત્રો આપવામાં આવશે. ત્યાર બાદ પીએમ મોદી નિયુક્તિ પામનાર લોકોને સંબોધિત કરશે.
38 મંત્રાલયો અને વિભાગોમાં જોડાશે યુવાનોઃ
જે 75,000 લોકોની નિમણૂક કરવામાં આવી છે તેઓ સરકારના 38 મંત્રાલયો અને વિભાગોમાં જોડાશે. આ નિયુક્ત લોકો ગ્રુપ A, ગ્રુપ B (ગેજેટેડ), ગ્રુપ B (નોન-ગેઝેટેડ) અને ગ્રુપ C ના સ્તરે જોડાશે. જે પોસ્ટ પર આ નિમણૂંકો કરવામાં આવી છે તેમાં સેન્ટ્રલ આર્મ્ડ ફોર્સ પર્સોનલ, સબ-ઇન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ, એલડીસી, સ્ટેનો પીએ, ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર, એમટીએસ જેવી પોસ્ટનો સમાવેશ થાય છે.
મિશન મોડમાં થઈ ભરતી પ્રક્રિયાઃ
આ પદો માટેની નિમણૂકો મંત્રાલયો/વિભાગો દ્વારા મિશન મોડમાં તેમજ અન્ય ભરતી એજન્સીઓ જેમ કે UPSC, સ્ટાફ સિલેક્શન કમિશન, રેલ્વે ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવી છે. આ લોકોની ઝડપી નિમણૂક સુનિશ્ચિત કરવા માટે પસંદગી પ્રક્રિયાને ટેક્નોલોજી સાથે સરળ અને સંકલિત કરવામાં આવી છે.
યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવા અને નાગરિકોનું કલ્યાણ સુનિશ્ચિત કરવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવા માટે આને એક મોટા પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે. વડાપ્રધાનના નિર્દેશો અનુસાર સરકારના તમામ મંત્રાલયો અને વિભાગો મિશન મોડમાં મંજૂર ખાલી જગ્યાઓ ભરવા માટે કામ કરી રહ્યા છે.
14 જૂન, 2022ના રોજ પીએમ મોદીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી કે આગામી દોઢ વર્ષમાં એટલે કે 2023ના અંત સુધીમાં કેન્દ્ર સરકાર તેના વિવિધ વિભાગો અને મંત્રાલયોમાં 10 લાખ લોકોની ભરતી કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે તમામ વિભાગો અને મંત્રાલયોમાં માનવ સંસાધન સ્થિતિની સમીક્ષા કર્યા પછી આ નિર્ણય લીધો હતો. આ જાહેરાત મુજબ હવે રોજગાર મેળાની શરુઆત પીએમ મોદી કરાવશે. આ કાર્યક્રમમાં પ્રથમ 75 હજાર યુવાનો જેઓ આ ભરતી પ્રક્રિયામાં પાસ થયા છે તેમને નિયુક્તિ પત્રો સોંપવામાં આવશે. આ પછી અન્ય સરકારના વિવિધ વિભાગોમાં ખાલી જગ્યાઓ પર પણ ભરતી પ્રક્રિયા ઝડપથી પુર્ણ કરવામાં આવશે.