Vaccine : આદર પૂનાવાલાની સીરમે મોદી સરકારને કરી મોટી ઓફર, થશે કોરોનાનો ખાતમો
સિંહે મંત્રાલય પાસેથી જાણવા માગ્યું છે કે, ડિલિવરી કેવી રીતે થઈ શકે. SII અત્યાર સુધીમાં રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ માટે સરકારને કોવિશિલ્ડના 170 કરોડથી વધુ ડોઝ પૂરા પાડી ચુક્યું છે.
Covishield Vaccine: ચીન સહિત ઘણા દેશોમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ભારતમાં પણ કોરોનાના ખતરાને લઈને ચિંતા વધી ગઈ છે. આ સ્થિતિમાં ભારત સરકારે લોકોને બૂસ્ટર ડોઝ લેવાની અપીલ પણ કરી છે. આ સ્થિતિમાં અદાર પૂનાવાલાની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII)એ મહત્વની જાહેરાત કરી છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ કહ્યું છે કે, કેન્દ્ર સરકારને કોવિશિલ્ડ રસીના બે કરોડ ડોઝ વિના મૂલ્યે આપવામાં આવશે.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, સીરમ ઇન્સ્ટિટ્યૂટના સરકારી અને નિયમનકારી બાબતોના ડિરેક્ટર પ્રકાશ કુમાર સિંહે આરોગ્ય મંત્રાલયને 410 કરોડ રૂપિયાના ડોઝ વિનામુલ્યે આપવા માટે એક પત્ર લખ્યો છે. સિંહે મંત્રાલય પાસેથી જાણવા માગ્યું છે કે, ડિલિવરી કેવી રીતે થઈ શકે. SII અત્યાર સુધીમાં રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ માટે સરકારને કોવિશિલ્ડના 170 કરોડથી વધુ ડોઝ પૂરા પાડી ચુક્યું છે.
બૂસ્ટર ડોઝ લેવા સરકારની અપીલ
ચીનમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના સબ-વેરિઅન્ટ BF.7એ તબાહી મચાવી છે. ચીનમાં દરરોજ લાખો નવા કેસ સામે આવી રહ્યા છે. આ વેરિઅન્ટના જોખમને જોતા સરકારે લોકોને જલ્દી બૂસ્ટર ડોઝ લેવા વિનંતી કરી છે. કોવિડ સામેની બંને રસી મેળવનાર ઘણા લોકોએ અત્યાર સુધી એક પણ બુસ્ટર ડોઝ લીધો નથી.
ભારતે કોવિડ પોઝિટિવ સેમ્પલના સર્વેલન્સ અને જીનોમ સિક્વન્સિંગમાં પણ વધારો કર્યો છે. ચીન અને દક્ષિણ કોરિયા સહિતના કેટલાક દેશોમાં કોવિડ-19ના કેસ ઝડપથી વધી રહ્યા છે, ત્યારે ભારત સરકારે લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે. સાથે જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે તૈયાર રહેવા જણાવ્યું છે.
દેશભરની હોસ્પિટલોમાં યોજાઈ મોકડ્રીલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ કોવિડના કેસોમાં ઉછાળાને પહોંચી વળવા માટેની તૈયારીઓનો તાગ મેળવવા માટે બેઠકો યોજી છે. આ ઉપરાંત કોવિડ -19 ના કેસોમાં ઝડપથી વધારાની કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટેની તૈયારીઓનો તાગ લેવા માટે મંગળવારે દેશભરની હોસ્પિટલોમાં મોક ડ્રીલ કરવામાં આવી હતી.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, દુનિયાભરમાં કોવિડના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખી દેશ સાવચેતી રાખી રહ્યો છે અને તેનો સામનો કરવા માટે તૈયાર છે. કોરોના વાયરસના ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ BF.7ના કેસોમાં તાજેતરમાં વધારો થયો છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, BF.7ના ફેસંક્રમણનો દર ઘણો ઊંચો છે અને એક સંક્રમિત વ્યક્તિ 16 લોકોને સંક્રમિત કરી શકે છે.