Wrestler Protest: પહેલવાનોએ સ્મૃતિ ઈરાની સહિત ભાજપના મહિલા સાંસદોને લખ્યો ખુલ્લો પત્ર, જાણો શું કરી માગ
છેલ્લા 22 દિવસથી જંતર-મંતર પર ધરણા પર બેસેલા પહેલવાનોએ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સહિત ભાજપના મહિલા સાંસદોને ખુલ્લો પત્ર લખ્યો છે.
Wrestler Protest News: છેલ્લા 22 દિવસથી જંતર-મંતર પર ધરણા પર બેસેલા પહેલવાનોએ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સહિત ભાજપના મહિલા સાંસદોને ખુલ્લો પત્ર લખ્યો છે. આ પત્ર દ્વારા કુસ્તીબાજોએ મહિલા સાંસદો પાસેથી સમર્થન માંગ્યું છે. જેથી બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે.
કુસ્તીબાજોએ કહ્યું કે, બેટી બચાવો, બેટી પઢાવોના નારા લગાવનાર આ મહિલા સાંસદોએ પણ અમારા દુ:ખમાં સામેલ થવું જોઈએ અને અમને ટેકો આપવો જોઈએ. એટલું જ નહીં 16મી મેના રોજ દેશભરના જિલ્લા મથકો પર એક દિવસીય સત્યાગ્રહ કરવાની પણ માંગ કરવામાં આવી છે.
ધરણા પર બેઠેલા 22 દિવસ થયા- વિનેશ
જંતર-મંતર પર પ્રેસને સંબોધતા વિનેશ ફોગટે કહ્યું કે અમે અહીં ધરણા પર બેઠા તેના 22 દિવસ થઈ ગયા છે, પરંતુ હજુ સુધી ભાજપમાંથી કોઈ અમારી પાસે આવ્યું નથી. કોઈ મહિલા સાંસદ નથી આવ્યા જે લોકો બેટી બચાવો, બેટી પઢાવોના નારા આપે છે તેઓ આ દુ:ખમાં અમારી સાથે નથી જોડાયા. આવતીકાલે એટલે કે સોમવારે અમે ભાજપની મહિલા સાંસદોને ખુલ્લો પત્ર લખીને તેમની મદદ માંગીશું. અમારા કુસ્તીબાજો આ પત્ર તેમના ઘરે પહોંચાડશે.
અમારી લડાઈમાં અમને સાથ આપો - સાક્ષી મલિક
સાક્ષી મલિકે કહ્યું કે અમે સમાજના તમામ લોકો પાસેથી સમર્થન માંગીએ છીએ. અમારી લડાઈમાં જોડાઓ. અમે જે આક્ષેપો કરી રહ્યા છીએ તે સાચા છે. એટલા માટે તમે બધા અમારા સમર્થનમાં આવ્યા છો. અમારા સમર્થનમાં દરરોજ કેટલાક લોકો અહીં જંતર-મંતર પર આવવા જોઈએ. આ સિવાય વિનેશ ફોગાટે અપીલ કરી છે કે મંગળવારે બધાએ અમારા સમર્થનમાં 16 મેના રોજ એક દિવસ માટે સત્યાગ્રહ કરવો જોઈએ. તમારા સંબંધિત જિલ્લા મુખ્યાલય પર જાઓ અને આવેદન આપો.
શું લખ્યું હતું પત્રમાં
કુસ્તીબાજોએ તેમના પત્રમાં લખ્યું છે કે, "ભારતની અમે મહિલા કુસ્તીબાજોનું ભારતના રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ દ્વારા યૌન ઉત્પીડન કર્યું છે. ફેડરેશનના પ્રમુખ તરીકેના તેમના લાંબા કાર્યકાળ દરમિયાન તેમણે કુસ્તીબાજોનું અનેકવાર યૌન ઉત્પીડન કર્યું હતું. ઘણી વખત કુસ્તીબાજોએ પોતાનો અવાજ ઉઠાવવાની કોશિશ કરી પરંતુ તેની શક્તિએ કુસ્તીબાજોનું ભવિષ્ય બરબાદ કરી દીધું, ન્યાયની તો વાત જ છોડી દો.
પત્રમાં આગળ લખવામાં આવ્યું છે કે, "હવે પાણી નાકની ઉપર વહી ગયું છે, અમારી પાસે મહિલા કુસ્તીબાજોની ગરિમા માટે લડવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. અમે અમારા જીવન અને રમત-ગમતને બાજુ પર મૂકીને અમારી ગરિમા માટે લડવાનું નક્કી કર્યું છે. અમે છેલ્લા 20 દિવસથી જંતર-મંતર પર ન્યાય માટે લડી રહ્યા છીએ.