China: ચીનમાં ફરી કોરોનાનો કહોરામ, લોકોમાં ફફડાટ, દવાની દુકાનો સામે લાંબી લાઈનો
એક તરફ ચીનમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે ત્યાં બીજી બાજુ આકરા લોકડાઉન નિયંત્રણથી ત્રસ્ત થઈ લાખો લોકો રસ્તા પર ઉતરતા ફફડી ઉઠેલી જિનપિંગ સરકારે નિયંત્રણો હળવા કરવા પડ્યા છે.
China Corona Update: કોરોના વાયરસે ફરી એકવાર ચીનની મુશ્કેલીઓ વધારી છે. અહીં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. કોરોના ફરી વકરતા ચીનમાં તબીબી પુરવઠો ખોરંભે ચડ્યો છે. દવાની દુકાનો પર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. કોવિડના કેસોમાં તેજીને ધ્યાનમાં રાખતા જિનપિંગની સરકાર સ્વાસ્થ્ય સેવાઓમાં સુધારો કરવાનો પ્રયાસ કરવા હવાતિયા મારી રહી છે. જ્યારે બીજી બાજુ ચીનમાં લોકડાઉન સામે ચાલી રહેલા વિરોધને ધ્યાનમાં રાખીને સરકારે તાજેતરમાં ઝીરો કોવિડ નિયમો હળવા કરવા પડ્યા છે.
એક તરફ ચીનમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે ત્યાં બીજી બાજુ આકરા લોકડાઉન નિયંત્રણથી ત્રસ્ત થઈ લાખો લોકો રસ્તા પર ઉતરતા ફફડી ઉઠેલી જિનપિંગ સરકારે નિયંત્રણો હળવા કરવા પડ્યા છે. હવે જિનપિંગ સરકાર કોવિડ કેર સેન્ટરની સંખ્યામાં વધારો કરી રહી છે. આ ઉપરાંત હોસ્પિટલોમાં આરોગ્ય સેવાઓને વધુ મજબુત બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ શી જિનપિંગની સરકારે સ્પષ્ટ કર્યું છે કે, તે કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે સંકલ્પબદ્ધ છે. વિરોધને જોતા હવે સરકાર લોકડાઉન કે ક્વોરેન્ટાઈન જેવા કડક નિયમો લાગુ નહીં કરે. સરકાર હવે લોકડાઉન, ક્વોરેન્ટાઇન અથવા મુસાફરી પર પ્રતિબંધ જેવા કોવિડ ઝીરો નીતિના કડક નિયમોને બદલે અન્ય પદ્ધતિઓ દ્વારા કોરોના પર લગામ લગાવશે. આ માટે સરકારે રણનીતિ તૈયાર કરી રહી છે.
વૃદ્ધોના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન
અહેવાલો અનુસાર, બે દિવસ પહેલા જ જિનપિંગ સરકારે કેબિનેટની બેઠક યોજી હતી. જેમાં કોવિડની સમસ્યાનો સામનો કરવા માટે હોસ્પિટલોની દેખરેખ રાખવાની વ્યૂહરચના તૈયાર કરવામાં આવી હતી. હોસ્પિટલોમાં પૂરતો સ્ટાફ તેમજ દવાઓનો પુરવઠો સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. સરકાર દ્વારા નિર્દેશ આપવામાં આવ્યા છે કે, 65 વર્ષથી વધુ ઉંમરના લોકોના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવામાં આવે.
ચીનમાં દવાની અછત
સમગ્ર ચીનમાં તબીબી પુરવઠો ઠપ્પ થઈ ગયો છે. દવાની દુકાનો પર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. સ્થિતિ એ હદે ખરાબ બની છે કે લોકોને દવાઓ અને અન્ય તબીબી સાધનો માટે આમ તેમ ભટકવું પડે છે. જ્યાં સામાન મળી રહે છે ત્યાં તેના ભાવ સામાન્ય કરતા વધીને આસમાને પહોંચી ગયા છે. આ ખામીને દૂર કરવા માટે કોવિડ પ્રતિબંધોને હળવા કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
આ કારણોસર દવાઓની અછત
દવાઓની અચાનક અછત પાછળ બે મુખ્ય કારણો છે. પહેલું એ કે ચીનમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. કેસ વધવાને કારણે દવાઓની માંગ વધી છે. બીજી તરફ, બીજું કારણ લોકડાઉનમાં છૂટછાટ છે. પહેલા લોકો ઘરોમાં બંધ હતા અને ખરીદી પણ કરી રહ્યા હતા, પરંતુ લોકડાઉનમાં છૂટ મળતા જ ભીડ બહાર આવવા લાગી. લોકો તેમની સુરક્ષા માટે પહેલેથી જ દવાઓ ખરીદી રહ્યા છે. માંગમાં અચાનક થયેલા વધારાથી પણ ગભરાટ સર્જાયો છે.