વાતો મોટી, કામ પોકળ! ગુજરાતની હોસ્પિટલમાં છે ખાટલાની ખેંચ! CAG રિપોર્ટે ગુજરાત સરકારની પોલ ખોલી
છેવાડાના નાગરિકોને આરોગ્ય સુવિધા આપવાના દાવા પોકળ સાબિત, અનેક હોસ્પિટલોમાં જરૂરિયાત સામે અડધાથી પણ ઓછી પથારીઓ ઉપલબ્ધ.

CAG report public health crisis: રાજ્યના જાહેર આરોગ્ય માળખા અને આરોગ્ય સેવાઓની વાસ્તવિક સ્થિતિ કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા (CAG)ના તાજેતરના રિપોર્ટમાં સામે આવી છે. રિપોર્ટમાં રાજ્યની અનેક કોમ્યુનિટી હેલ્થ સેન્ટર્સ (CHC) અને જિલ્લા હોસ્પિટલોમાં જરૂરિયાત સામે પથારીઓની ભારે ઘટ હોવાનો ખુલાસો થયો છે, જે છેવાડાના નાગરિકોને આરોગ્ય સુવિધા આપવાના સરકારના દાવાઓને પોકળ સાબિત કરે છે.
CAGના રિપોર્ટ અનુસાર, રાજ્યની અનેક CHCમાં પથારીઓની ઉપલબ્ધતાની સ્થિતિ અત્યંત ચિંતાજનક છે. ઉદાહરણ તરીકે, નારદીપુર CHCમાં ૩૦ પથારીની આવશ્યકતા સામે માત્ર ૧૦ પથારીઓ ઉપલબ્ધ છે, જે ૨૦ પથારીઓની ઘટ દર્શાવે છે. સાદરા CHCમાં ૩૦ની જરૂરિયાત સામે ૧૫ પથારીઓ ઉપલબ્ધ છે, એટલે કે ૧૫ પથારીઓની ઘટ છે. સનાથલી CHCમાં તો સ્થિતિ વધુ ખરાબ છે, જ્યાં ૩૦ પથારીની જરૂરિયાત સામે માત્ર ૪ પથારીઓ જ ઉપલબ્ધ છે, જે ૨૬ પથારીઓની મોટી ઘટ સૂચવે છે.
આ જ રીતે, અન્ય CHCની સ્થિતિ પણ કંઈક આવી જ છે. લોધિકામાં ૩૦ની જરૂરિયાત સામે ૧૬ પથારીઓ ઉપલબ્ધ છે, એટલે કે ૧૪ની ઘટ છે, જ્યારે વાલોડમાં ૩૦ની જરૂરિયાત સામે ૧૮ પથારીઓ ઉપલબ્ધ છે અને ૧૨ની ઘટ છે. અંકલછમાં ૩૦ની જરૂરિયાત સામે માત્ર ૬ પથારીઓ ઉપલબ્ધ છે, જ્યાં ૨૪ પથારીઓની ઘટ જોવા મળી રહી છે. મેઘાસન એકમાત્ર એવું CHC છે જ્યાં ૩૦ની જરૂરિયાત સામે ૨૮ પથારીઓ ઉપલબ્ધ છે. જોડિયામાં ૩૦ની જરૂરિયાત સામે ૨૦ પથારીઓ ઉપલબ્ધ છે, જ્યારે ૧૦ પથારીઓની ઘટ છે. બાલાસિનોરમાં ૩૦ની જરૂરિયાત સામે ૨૪ પથારીઓ ઉપલબ્ધ છે, અહીં ૬ પથારીઓની ઘટ છે. વીરપુરમાં ૩૦ પથારીની જરૂરિયાત સામે ૨૩ પથારીઓ ઉપલબ્ધ છે, જ્યાં ૭ પથારીઓની ઘટ છે. ધોળકામાં ૩૦ પથારીની જરૂરિયાત સામે માત્ર ૧૪ પથારીઓ ઉપલબ્ધ છે, એટલે કે ૧૬ની ઘટ છે. ધંધુકામાં ૩૦ પથારીની જરૂરિયાત સામે માત્ર ૧૭ પથારીઓ ઉપલબ્ધ છે, જ્યાં ૧૩ની ઘટ છે. થાનગઢમાં ૩૦ની જરૂરિયાત સામે ૧૪ પથારીઓ ઉપલબ્ધ છે, જે ૧૬ની ઘટ દર્શાવે છે, જ્યારે વઢવાણમાં ૩૦ પથારીઓની જરૂરિયાત સામે ૨૦ પથારીઓ ઉપલબ્ધ છે અને ૧૦ની ઘટ છે.
CAGના રિપોર્ટમાં જિલ્લા હોસ્પિટલોની સ્થિતિ પણ ચિંતાજનક દર્શાવવામાં આવી છે. વસ્તીના આધારે જરૂરિયાત સામે જિલ્લા હોસ્પિટલોમાં પણ પથારીઓની મોટી ઘટ જોવા મળી રહી છે. આણંદ જિલ્લા હોસ્પિટલમાં ૪૫૬ પથારીઓની જરૂરિયાત સામે ૩૩૭ પથારીઓની ઘટ છે. બોટાદ જિલ્લા હોસ્પિટલમાં ૧૪૩ પથારીઓની જરૂરિયાત સામે ૪૩ પથારીઓની ઘટ છે. છોટાઉદેપુર જિલ્લા હોસ્પિટલમાં ૨૩૫ પથારીની જરૂરિયાત સામે ૧૩૫ની ઘટ છે. ગીર સોમનાથ જિલ્લા હોસ્પિટલમાં ૨૬૫ પથારી સામે ૧૧૫ પથારીઓની ઘટ છે. ખેડા જિલ્લા હોસ્પિટલમાં ૪૫૩ પથારીઓની જરૂરિયાત સામે ૨૯૩ પથારીની ઘટ છે. મહીસાગર જિલ્લા હોસ્પિટલમાં ૨૧૮ પથારીની જરૂરિયાત સામે ૧૧૮ પથારીની ઘટ છે. મહેસાણા જિલ્લા હોસ્પિટલમાં ૪૪૮ પથારીની જરૂરિયાત સામે ૨૩૪ પથારીની ઘટ છે. પંચમહાલ જિલ્લા હોસ્પિટલમાં ૩૬૦ પથારીની જરૂરિયાત સામે ૧૫૦ પથારીની ઘટ છે. પાટણ જિલ્લા હોસ્પિટલમાં ૨૯૪ પથારીની જરૂરિયાત સામે ૧૪૪ પથારીની ઘટ છે. રાજકોટ જિલ્લા હોસ્પિટલમાં ૬૬૫ પથારીઓની જરૂરિયાત સામે ૫૫૦ પથારીઓની ઘટ છે. સુરેન્દ્રનગર જિલ્લા હોસ્પિટલમાં ૩૪૨ પથારીઓની જરૂરિયાત સામે ૧૯૨ પથારીની ઘટ છે, જ્યારે વડોદરા જિલ્લા હોસ્પિટલમાં ૬૭૮ પથારીઓની જરૂરિયાત સામે ૪૬૫ પથારીઓની ઘટ છે.
આ આંકડાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે રાજ્યના જાહેર આરોગ્ય માળખામાં પથારીઓની ભારે કમી છે, જેના કારણે છેવાડાના અને જરૂરિયાતમંદ નાગરિકોને યોગ્ય સમયે આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. CAGનો આ રિપોર્ટ રાજ્ય સરકારના આરોગ્ય સેવાઓના દાવાઓની પોલ ખોલી નાખે છે અને તાત્કાલિક ધોરણે આ દિશામાં નક્કર પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂકે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
