(Source: ECI/ABP News/ABP Majha)
કોરોના વાયરસઃ અમેરિકામાં કોવિડ-19થી 10 ગુજરાતી સહિત 40થી વધારે ભારતીય નાગરિકોના મોત
કોરોના વાયરસથી એક જ દિવસમાં 2000થી વધારે મોત થયા હોય તેવો અમેરિકા પ્રથમ દેશ બની ગયો છે.અમેરિકામાં પાંચ લાખથી વધારે લોકો સંક્રમિત છે.
વોશિંગ્ટનઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. વિશ્વમાં કોરોનાથી 16 લાખ કરતાં વધારે લોકો સંક્રમિત થઈ ચુકયા છે અને એક લાખથી વધારે વ્યક્તિના મોત થયા છે. કોરોનાનું નવું કેન્દ્ર બિંદુ બની રહેલા અમેરિકામાં કોવિડ-19 મહામારીના કારણે 40થી વધારે ભારતીય નાગરિકોના મોત થયા છે. ભારતીય સમુદાયના નેતાઓ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે.
કોરોના વાયરસથી એક જ દિવસમાં 2000થી વધારે મોત થયા હોય તેવો અમેરિકા પ્રથમ દેશ બની ગયો છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 2108 લોકોના જીવ ગયા, જ્યારે દેશમાં પાંચ લાખથી વધારે લોકો સંક્રમિત છે.
અમેરિકામાં કોરોના વાયરસ સંક્રમણનું કેન્દ્ર બનેલા ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં અત્યાર સુધીમાં સૌથી વધારે જીવ ગયા છે. ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં ભારતી અમેરિકાનોની સૌથી વધારે વસતિ છે. કોરોના વાયરસના કારણે જીવ ગુમાવનારામાં કેરળના 17, ગુજરાતના 10, પંજાબના ચાર, આંધ્રપ્રદેશના બે અને ઓડિશાના એક વ્યક્તિનો સમાવેશ થાય છે. જેમાંથી મોટાભાગના લોકોની ઉંમર 60 વર્ષથી વધારે હતી, જ્યારે એકની ઉંમર 21 વર્ષ છે.
ન્યૂજર્સી રાજ્યમાં એક ડઝનથી વધારે ભારતીયો અમેરિકાના મોત થયા છે. તેમાંથી મોટાભાગના જર્સી સિટી અને ઓક ટ્રી રોડના લિટલ ઈન્ડિયાન વિસ્તારની આસપાસના મામલા હતા. આ પ્રકારે ન્યૂયોર્કમાં પણ ઓછામાં ઓછા 15 ભારતીય-અમેરિકનના આ બીમારીથી મોત થયા છે.