(Source: ECI/ABP News/ABP Majha)
મહિલા ક્રિકેટને બદલશે WPL, રોહિત-હરમનપ્રીતમાં ઘણી સમાનતા, ઓક્શન બાદ MI ના માલિક નીતા અંબાણીનું નિવેદન
મુંબઈ ઈન્ડિયન્સ ટીમના માલિક નીતા અંબાણીએ હરાજી પર પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે મહિલા ક્રિકેટ માટે આ ખૂબ જ ખાસ દિવસ છે.
Nita Ambani On WPL: મુંબઈમાં મંગળવારે મહિલા પ્રીમિયર લીગ માટે હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હરાજીમાં ભારતીય ખેલાડીઓ સહિત અનેક વિદેશી ખેલાડીઓ પર જોરદાર બોલી લાગી હતી. હવે મુંબઈ ઈન્ડિયન્સ ટીમના માલિક નીતા અંબાણીએ હરાજી પર પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે મહિલા ક્રિકેટ માટે આ ખૂબ જ ખાસ દિવસ છે. ઓક્શન હંમેશા શાનદાર રહે છે, પરંતુ આ ઓક્શન ખૂબ જ ખાસ હતું. આ ખૂબ જ ઐતિહાસિક દિવસ હતો. આ સાથે જ તેમણે કહ્યું કે આ લીગના માધ્યમથી મહિલા ક્રિકેટરોને તેમની પ્રતિભા બતાવવાની તક મળશે.
મુંબઈ ઈન્ડિયન્સના માલિક નીતા અંબાણીએ શું કહ્યું ?
ઓક્શનમાં મુંબઈ ઈન્ડિયન્સના માલિક નીતા અંબાણી સિવાય આકાશ અંબાણી, મહેલા જયવર્દને, ટીમના મુખ્ય કોચ ચાર્લોર્થ એડવર્ડ્સ, ટીમ મેન્ટર અને બોલિંગ કોચ ઝુલન ગોસ્વામી, બેટિંગ કોચ દેવિકા પાલશીકર હાજર હતા. નીતા અંબાણીએ કહ્યું કે અમારી ટીમમાં પૂજા વસ્ત્રાકર અને નેટ સીવર બ્રન્ટ જેવા ખેલાડીઓ છે. આ ખેલાડીઓએ ઘણી છોકરીઓને ક્રિકેટ રમવા માટે પ્રોત્સાહિત કર્યા છે. આ બે ખેલાડીઓને મારી ટીમમાં સામેલ કરીને હું ખૂબ જ ખુશ છું. આ સિવાય નીતા અંબાણીએ મેન્સ આઈપીએલ અને રોહિત શર્મા પર પોતાની વાત રાખી હતી.
રોહિત શર્મા અને હરમનપ્રીત કૌરમાં ઘણી સમાનતા
નીતા અંબાણીએ કહ્યું કે મેં રોહિત શર્માને એક ખેલાડી અને કેપ્ટન તરીકે ઉભરતા જોયા છે. રોહિત શર્મા છેલ્લા લગભગ 10 વર્ષથી અમારી ટીમનો ભાગ છે. હવે અમે અમારા મુંબઈ ઈન્ડિયન્સ પરિવારમાં હરમનપ્રીત કૌરનું સ્વાગત કરીએ છીએ.
તેમણે આગળ કહ્યું કે રોહિત શર્મા અને હરમનપ્રીત કૌરમાં ઘણી સમાનતાઓ છે. બંને ખેલાડીઓ અનુભવી હોવાથી સાથે સાથે ખૂબ જ વ્યાવસાયિક છે અને તેઓ જીતવાની માનસિકતા ધરાવે છે. આ સાથે તેમણે કહ્યું કે રોહિત શર્મા અને હરમનપ્રીત કૌર બાકીના યુવા ખેલાડીઓ માટે પ્રેરણા છે. હું મારી ટીમમાં આ બંને ખેલાડીઓને લઈને ખૂબ જ ખુશ છું.
યુવા ખેલાડીઓની જીતે પૂરા દેશમાં ઉત્સાહ ભરી દીધો
નીતા અંબાણીએ તાજેતરમાં મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપ જીતવા બદલ ટીમ ઈન્ડિયાના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે યુવા ખેલાડીઓની જીતે પૂરા દેશમાં ઉત્સાહ ભરી દીધો આ સિવાય હું ભારતીય સિનિયર ટીમને શુભેચ્છા પાઠવું છું. આપણી ટીમે પ્રથમ મેચમાં પાકિસ્તાનને હરાવીને ટુર્નામેન્ટમાં શાનદાર શરૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે નીતા અંબાણી પ્રથમ ભારતીય મહિલા છે જેઓ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના સભ્ય છે. તેમણે કહ્યું કે મને ખાતરી છે કે આવનારા દિવસોમાં વિમેન્સ પ્રીમિયર લીગ ભારતમાં રમતગમતના ક્ષેત્રે ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે.
'વિમેન્સ પ્રીમિયર લીગ ક્રિકેટની દુનિયામાં પરિવર્તનનું માધ્યમ બનશે'
નીતા અંબાણીનું કહેવું છે કે રિલાયન્સ ફાઉન્ડેશન હંમેશા સ્પોર્ટ્સ પ્રત્યે ખૂબ જ સમર્પિત રહ્યું છે. અમે આવનારા દિવસોમાં પણ રમત પ્રત્યે અમારું સમર્પણ જાળવી રાખીશું. તેમણે આશા વ્યક્ત કરી હતી કે મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટની દુનિયામાં પરિવર્તનનું માધ્યમ બનશે. આ સાથે તેણે કહ્યું કે મહિલા ક્રિકેટનો માત્ર ભારતમાં જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સારો વિકાસ થવો જોઈએ.