World Test Championship: બાંગ્લાદેશ વિરુદ્ધ જીતથી ટીમ ઇન્ડિયાને ફાયદો, ફાઇનલમાં પહોંચવા માટે જીતવી પડશે આટલી મેચ
આ જીત સાથે તેણે બે મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે
ભારતીય ટીમે જોરદાર પ્રદર્શન કરતા બાંગ્લાદેશને પ્રથમ ટેસ્ટ મેચમાં 188 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે તેણે બે મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. બંને ટીમો વચ્ચે બીજી અને છેલ્લી ટેસ્ટ મેચ 22 ડિસેમ્બરથી ઢાકામાં રમાશે. પ્રથમ ટેસ્ટમાં મળેલી જીતને કારણે ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ના પોઈન્ટ ટેબલમાં પણ ફાયદો થયો છે.
ભારત ત્રીજા નંબરે પહોંચી ગયું
ભારતીય ટીમ હવે શ્રીલંકાને પાછળ છોડીને પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબર પર આવી ગઈ છે. ચેમ્પિયનશિપની વર્તમાન સિઝનમાં ભારતીય ટીમે કુલ 13 મેચમાંથી 7માં જીત મેળવી છે, જ્યારે ચાર મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો અને તેની બે મેચ ડ્રો પર સમાપ્ત થઈ ગઇ હતી. ભારતીય ટીમની ટકાવારી હાલમાં 55.77 છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયાની ટીમ હજુ પણ ટોપ પર છે. ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધી 12માંથી 8 ટેસ્ટ જીતી છે અને તેના 76.92 ટકા અંક છે. આ યાદીમાં બીજા નંબર પર દક્ષિણ આફ્રિકાની ટીમ છે, જેને 54.55 ટકા અંક છે. દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા બંને હાલમાં ટેસ્ટ શ્રેણી રમી રહ્યા છે, જે આ ચેમ્પિયનશિપની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ચોથા ક્રમે 53.33 ટકા પોઈન્ટ સાથે શ્રીલંકાની ટીમ છે. આ પછી 44.44 ટકા પોઇન્ટ સાથે ઈંગ્લેન્ડનો નંબર આવે છે. પાકિસ્તાનની ટીમની વાત કરીએ તો તે 42.42 ટકા અંક સાથે છઠ્ઠા નંબર પર છે. પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ બંને ફાઇનલમાં પહોંચવાની રેસમાંથી બહાર છે.
હવે ભારત માટે શું સમીકરણ બને છે?
ટીમ ઈન્ડિયા માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઇનલમાં પહોંચવાનું સમીકરણ સ્પષ્ટ છે. ફાઇનલમાં પહોંચવા માટે ભારતે પાંચમાંથી ચાર મેચ જીતવી પડશે. ભારતે હવે આ મહિને બાંગ્લાદેશ સામે બીજી ટેસ્ટ મેચ રમવાની છે.ત્યારબાદ ફેબ્રુઆરી-માર્ચમાં ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે તેના ઘરે ચાર મેચની ટેસ્ટ શ્રેણી રમશે. ભારત આગામી ટેસ્ટમાં પણ બાંગ્લાદેશને હરાવશે તેવી પૂરી સંભાવના છે. આવી સ્થિતિમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે ચારમાંથી ત્રણ મેચ જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી શકે છે.
પોઈન્ટ ટેબલના નિયમો શું છે?
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઇનલ મેચ આવતા વર્ષે જૂન મહિનામાં ઓવલના મેદાનમાં રમાવાની છે. આ ચેમ્પિયનશિપના નિયમોની વાત કરીએ તો ટીમને મેચ જીતવા પર 12, ડ્રો માટે 4 અને ટાઈ માટે 6 પોઈન્ટ મળે છે. આ સાથે મેચ જીતવા પર 100 ટકા, ટાઈ પર 50 ટકા, ડ્રો પર 33.33 ટકા ગુણ ઉમેરવામાં આવે છે. જોકે રેન્કિંગ મુખ્યત્વે પોઈન્ટ ટેબલમાં જીતની ટકાવારી દ્વારા નક્કી કરવામાં આવે છે. ન્યૂઝીલેન્ડે છેલ્લી વખત ભારતને હરાવીને ટેસ્ટ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો હતો.