Weather Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 11 શહેરમાં સરેરાશ મહત્તમ તાપમાન 41 ડિગ્રીને પાર નોંધાયું
વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની અસર પૂર્ણ થતા જ રાજ્યમાં ઉનાળાએ અસલ મિજાજ દેખાડ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 11 શહેરમાં સરેરાશ મહત્તમ તાપમાન 41 ડિગ્રીને પાર નોંધાયું. જેના પરથી આગ વરસાવતી ગરમીનો અંદાજ મેળવી શકાયય છે. 45 ડિગ્રી સાથે હિંમતનગર રાજ્યમાં સૌથી ગરમ શહેર નોંધાયુ. જ્યારે સુરેન્દ્રનગર, ડીસા, અમદાવાદ, ગાંધીનગરમાં તાપમાન 44 ડિગ્રીને પાર થયુ. અમદાવાદમાં 44.2 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતા 2.2 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. જે સળંગ બીજા દિવસે સિઝનમાં સૌથી ગરમ દિવસનો નવો રેકોર્ડ થયો હતો. તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદમાં આગામી પાંચ દિવસ અમદાવાદમાં તાપમાન 42થી 44 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે. અમદાવાદમાં આજે અને આવતીકાલે ઓરન્જ એલર્ટ અપાયું છે. જ્યારે સોમવાર અને મંગળવારે યલો અલર્ટ અપાયું છે. તો બીજી તરફ હવામાનની આગાહી કરતી ખાનગી સંસ્થાના મેત અમદાવાદમાં 22 મે સુધી તાપમાન 44 ડિગ્રી આસપાસ રહેશે અને બાદમાં પારો 46 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ન માત્ર દિવસે પરંતુ રાત્રે પણ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.. રાત્રિના 31 ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા 3.5 ડિગ્રી વધારે નોંધાયુ હતુ