PM Modi likely to visit U.S : PM મોદી આગામી મહિને જઈ શકે છે અમેરિકા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને અમેરિકાની મુલાકાત લઈ શકે છે, જ્યાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાવાની છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ અહીં પહોંચશે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠક 23 થી 27 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે, જ્યારે છેલ્લા દિવસની કાર્યવાહી 29 સપ્ટેમ્બર 2025ના રોજ યોજાશે. આ સંભવિત મુલાકાત દરમિયાન પીએમ મોદી ઘણા વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકોમાં પણ ભાગ લઈ શકે છે. સૂત્રોનું માનીએ તો યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથે વડાપ્રધાન મોદીની મુલાકાત થઈ શકે છે.
ઉપરાંત, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંભવિત મુલાકાતની ચર્ચા છે, જોકે બંને પક્ષો દ્વારા હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટી કરવામાં આવી નથી. હાલમાં વડાપ્રધાન કાર્યાલય (PMO) અથવા વિદેશ મંત્રાલય દ્વારા આ મુલાકાતની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની આ ઉચ્ચ સ્તરીય સામાન્ય ચર્ચા માટે વિશ્વભરના નેતાઓ ન્યૂયોર્ક પહોંચશે. પીએમ મોદીની આ મુલાકાત રાજદ્વારી દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તેમાં વૈશ્વિક રાજકારણ અને દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરવામાં આવશે.

















