મહારાષ્ટ્રમાં પૂરના પાણીમાં તણાઇ રહેલી યુવતીને બચાવવા કરાયુ દિલધડક રેસ્ક્યૂ, અંતે યુવતીનો હાથ છૂટ્યો...
મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાઇ ગયું છે. મહારાષ્ટ્રમાં વરસેલા મુશળધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. સાથે જ અનેક જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું છે. થાણે, રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ અને કોલ્હાપુર સહિતના પાંચ જિલ્લામાં મેઘતાંડવથી હજારો લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. મુશળધાર વરસાદથી મહારાષ્ટ્રની લગભગ તમામ નદીઓ ગાંડીતૂર બની છે.
રત્નાગીરી જિલ્લાના તાલુકા ચીપલુણમાં આભ ફાટ્યું છે. મુશળધાર વરસાદથી ચીપલુણમાં પાંચ હજારથી વધુ લોકોના જીવ જોખમમાં મુકાયા છે. તો લોકોના જીવ બચાવવા માટે NDRFની ટીમ પણ ચીપલુણ પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. ધોધમાર વરસાદ વરસતા ચીપલુણના બજારો, શેરીઓ અને રસ્તાઓ પર 10થી 12 ફુટ જેટલા વરસાદી પાણી ભરાઈ ગયા છે.
ચીપલુણનો રેસ્ક્યૂ ઓપરેશનનો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં એક યુવતીને પૂરના પાણીમાં બચાવવા માટે કેટલાક લોકો પ્રયાસ કરી રહ્યા છે. 11 સેકન્ડના આ વીડિયોમાં જોઇ શકાય છે કે યુવતીને કેટલાક લોકો દોરડાથી ખેંચીને ધાબા પર લાવી બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હોય છે પરંતુ યુવતી ટેરેસ પર પહોંચે તે અગાઉ યુવતી પક્કડ ગુમાવી દે છે અને પૂરના પાણીમાં પડે છે.