HMPV વાયરસથી બચવા શું કરવું અને શું ના કરવું ? ફટાફટ 1 મિનીટમાં જાણી લો....
HMPV Virus Awareness: હ્યૂમન મેટાન્યૂમૉવાયરસ (HMPV) એ કોઈ નવો વાયરસ નથી, વર્ષ 2001થી આ વાયરસની ઓળખ થયેલી છે

HMPV Virus Awareness: દેશભરમાં હવે એચએમપીવી વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. આજે પહેલા કર્ણાટકમાં બે કેસો નોંધાયા, અને ત્યાબાદ ગુજરાતમાંથી પણ એક કેસ સામે આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એલર્ટ મૉડમાં આવી ગઇ છે, અને તેના લક્ષણો અને બચાવ કાર્ય અંગે માર્ગદર્શિકા આપી રહી છે. રાજસ્થાનના ડુંગરપુરથી સારવાર માટે અમદાવાદ આવેલા 2 મહિનાના બાળકનું HMPV સેમ્પલ પૉઝિટિવ આવ્યુ હતુ, હાલ બાળક સારવાર હેઠળ અને સંપૂર્ણપણે સ્ટેબલ છે. જ્યારે (HMPV) હ્યૂમન મેટાન્યૂમૉવાયરસથી ગભરાવવાની જરૂર નથી, સાવચેતી જરૂર રાખવી જોઈએ. અહીં અમે તમને બતાવી રહ્યાં છીએ કે એચએમપીવી વાયરસને લઇને શું શું તકેદારીના પગલા લેવા જોઇએ.
રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, હ્યૂમન મેટાન્યૂમૉવાયરસ (HMPV) એ કોઈ નવો વાયરસ નથી, વર્ષ 2001થી આ વાયરસની ઓળખ થયેલી છે. ગુજરાત રાજ્યનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ આ વાયરસને લઈને તમામ તૈયારીઓ અને વ્યવસ્થાઓ સાથે સચેત છે.
હ્યૂમન મેટાન્યૂમૉવાયરસ (HMPV) વિશે જાણવા જેવી બાબતો -
- હ્યૂમન મેટાન્યૂમૉવાયરસ (HMPV) અન્ય શ્વસન વાયરસ જેવો જ વાયરસ છે.
- વર્ષ 2001થી આ વાયરસની ઓળખ થયેલી છે.
- આ વાયરસ શિયાળાની ઋતુ દરમિયાન ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોમાં દેખાય છે અને તેના લક્ષણોમાં સામાન્ય શરદી અને ફલૂનો સમાવેશ થાય છે.
હ્યૂમન મેટાન્યૂમૉવાયરસ (HMPV)ના લક્ષણો દેખાય તો શું કરવું (Do’s)?
- જ્યારે ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોઢું અને નાકને રૂમાલ અથવા ટિસ્યૂથી ઢાંકવું.
- નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવાં કે સેનેટાઈઝરનો ઉપયોગ કરવો.
- ભીડભાડવાળા સ્થળોથી દૂ૨ રહેવું અને ફલૂથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું.
- તાવ, ઉધરસ કે છીંક આવે છે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું.
- વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો.
- પ્રબળ પ્રતિરોધક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી.
- બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશન વાળા વાતાવરણમાં રહેવું.
- શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું, બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.
હ્યૂમન મેટાન્યૂમૉવાયરસ (HMPV)ના ચેપની સ્થિતિમાં શું ના કરવું (Don’ts)
- આવશ્યક ના હોય તો આંખ, નાક કે મોઢાને સ્પર્શ ક૨વો નહીં.
- ચેપગ્રસ્ત વ્યક્તિએ વ્યક્તિગત ચીજવસ્તુઓ જેમ કે ટુવાલ, રૂમાલ અથવા અન્ય વાસણો બીજા વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ના આવે તેનું ધ્યાન રાખવું.
- જાતે દવા લેવાનું ટાળવું, લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો.
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને ગભરાયા વિના સાવચેત રહેવા, ઉપર જણાવેલા સૂચનો અપનાવવા અને વાયરસના લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો
શું ખરેખર કોરોના જેવી તબાહી મચાવી શકે છે HMPV વાયરસ ? જાણી લો તમારા માટે કેટલો છે ખતરો
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

