Gujarat Politics: ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા કોંગ્રેસમાં સામેલ થશે? શક્તિસિંહ ગોહિલ સાથે મુલાકાત બાદ થઈ રહેલી અટકળો
ગુજરાતમાં વડોદરાની વાઘોડિયા બેઠકના ભાજપના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે શુક્રવારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે મુલાકાત કરી હતી
Ahmedabad News: લોકસભાની ચૂંટણી પહેલાં જ ગુજરાતના રાજકારણમાં નવાજૂની થવાના એંધાણ જોવા મળી રહ્યાં છે. ભાજપના દબંદ નેતા અને પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે શુક્રવારે અમદાવાદ ખાતે કોંગ્રેસ ભવનમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતને કોંગ્રેસના સુત્રોએ શુભેચ્છા મુલાકાત ગણાવી હતી. પરંતુ ત્યાર બાદ રાજકીય ચર્ચાઓ તેજ બની હતી. મધુશ્રી વાસ્તવ વિધાનસભાની ચૂંટણીમાં ટીકિટ કપાતા પક્ષથી નારાજ થયાં હતાં. ત્યાર બાદ આ મુલાકાત થતાં એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે, તેઓ આગામી સમયમાં કોંગ્રેસનો ખેસ ધારણ કરી શકે છે.
ગુજરાતમાં વડોદરાની વાઘોડિયા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાતા દબંગ પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે શુક્રવારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે મુલાકાત કરી હતી. તેમની આ મુલાકાત બાદ એવા સવાલો ઉભા થઇ રહ્યા છે કે, શું મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસનો હાથ પકડી શકે છે? આ મુલાકાત બાદ હજી સુધી કોંગ્રેસ કે મધુ શ્રીવાસ્તવ તરફથી કોઇ પ્રતિક્રિયા પ્રકાશમાં આવી નથી. પરંતુ કોંગ્રેસના સુત્રો આને માત્ર શુભેચ્છા મુલાકાત ગણાવી રહ્યાં છે.
મધુ શ્રીવાસ્તવે ગત વિધાનસભાની ચૂંટણીમાં ટીકિટ કપાતા વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી પરંતુ તેમનો પરાજય થયો હતો.મધુ શ્રીવાસ્તવની છાપ ‘દબંગ’ અને ‘બાહુબલી’ નેતા તરીકેની છે. તેઓ છ વખત વાઘોડિયા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય રહ્યા છે. પોતાની મૂછ, દાઢી, ગળામાં સોનાની વજનદાર ચેન તથા વીંટીઓ અને માથા ઉપર હેટને કારણે મધુ શ્રીવાસ્તવ વિધાનસભામાં અલગ તરી આવે છે. તેઓ હેટ અને એસ.યુ.વી. ગાડીઓના શોખીન છે.
ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપમાં ટિકિટ મુદ્દે બળવો પોકારીને અપક્ષ તરીકે ચૂંટણી લડનારા મધુશ્રી વાસ્તવે હારનો સામનો કરવો પડ્યો હતો. મધુ શ્રીવાસ્તવે બળવો કરીને અપક્ષ ચૂંટણી લડતા સીધો ફાયદો અપક્ષ ઉમેદવારને થયો હતો. વર્ષોથી ભાજપનો ગઢ બની રહેલી વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમદેવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ બેઠક પર જીતનો પરચમ લહેરાવ્યો હતો. દબંગ ગણાતા મધુ શ્રીવાસ્તવ આ બેઠક પરથી સળંગ છ વખત ચૂંટાયા હતા. પોતાના મનમાની, આપખુદી અને ખાસ તો વિવાદોમાં રહેવાના સ્વભાવને કારણે મધુ શ્રીવાસ્તાવની ટિકિટ કાપવામાં આવી હતી.