CBIC GST Rate: નવા વર્ષમાં સારા સમાચાર, હવે ઘરના ભાડા પર નહીં ચૂકવવો પડશે GST, જાણો શું છે નિયમ
CBICના નોટિફિકેશન મુજબ, નવા વર્ષ એટલે કે 1 જાન્યુઆરી, 2023થી, કોઈપણ રહેણાંક એકમ કે જે રજિસ્ટર્ડ યુનિટના માલિકને ભાડે આપવામાં આવે છે તેને GSTના દાયરામાંથી બાકાત રાખવામાં આવ્યું છે.
CBIC GST Rate House Rent: દેશમાં નવું વર્ષ 2023 શરૂ થઈ ગયું છે. એક પછી એક સારા સમાચાર આવી રહ્યા છે. હવે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ (CBIC) એ એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ મુજબ, રહેણાંક ઉપયોગ માટે મકાન ભાડે આપવા પર માલિકે 1 જાન્યુઆરી, 2023 થી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ચૂકવવો પડશે નહીં. CBICનો આ નિર્ણય ગયા મહિને 17 ડિસેમ્બરે મળેલી GST કાઉન્સિલની બેઠકમાં આપવામાં આવેલા સૂચનો બાદ લેવામાં આવ્યો છે.
જાણો શું છે નોટિફિકેશન
CBICના નોટિફિકેશન મુજબ, સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે નવા વર્ષ એટલે કે 1 જાન્યુઆરી, 2023થી, કોઈપણ રહેણાંક એકમ કે જે રજિસ્ટર્ડ યુનિટના માલિકને ભાડે આપવામાં આવે છે તેને GSTના દાયરામાંથી બાકાત રાખવામાં આવ્યું છે. પરંતુ એક શરત છે કે તે રહેણાંક એકમનો ઉપયોગ વ્યક્તિગત ક્ષમતામાં જ થવો જોઈએ. સીબીઆઈસીએ એ પણ સ્પષ્ટ કર્યું કે જો કોઈ પ્રોપર્ટીનો ઉપયોગ માલિકીના હેતુ માટે કરવામાં આવે છે, તો તેના માલિક રિવર્સ ચાર્જ મિકેનિઝમ હેઠળ 18 ટકા GST માટે જવાબદાર રહેશે.
ઇથિલ આલ્કોહોલ પર ટકા ટેક્સ
CBICની સૂચનામાં અન્ય બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેના પર 1 જાન્યુઆરી, 2023થી ટેક્સમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે, પેટ્રોલમાં ભેળસેળ માટે રિફાઇનરીને ઇથિલ આલ્કોહોલ સપ્લાય કરવામાં આવે છે, જેના પર 1 જાન્યુઆરીથી 5 ટકા ટેક્સ લાગશે. અત્યાર સુધી ઇથિલ આલ્કોહોલ પર 18 ટકા ટેક્સ લાગતો હતો.
કઠોળની ભૂકી કરમુક્ત
આ સિવાય કઠોળની ભૂકી પર કોઈ ટેક્સ નહીં લાગે. અગાઉ તેના પર 5% GST લાગતો હતો. જ્યારે ફળોના રસમાંથી બનેલા પીણાં પર હવે 12 ટકા GST લાગશે.
નોંધનીય છે કે, ડિસેમ્બર, ૨૦૨૨માં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કલેક્શન ૧૫ ટકા વધીને ૧.૪૯ લાખ કરોડ રૃપિયાથી વધુ રહ્યું છે તેમ સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે. જીએસટી કલેક્શનમાં વૃદ્ધિ દર્શાવે છે કે મેન્યુફેકચરિંગ પ્રવૃત્તિઓ અને ગ્રાહકોની માગમાં સુધારો થઇ રહ્યો છે. આ સાથે જ સળંગ દસમા મહિને જીએસટી કલેકશન ૧.૪૦ લાખ કરોડ રૃપિયાથી વધારે રહ્યું છે. નવેમ્બર, ૨૦૨૨માં જીએસટી કલેક્શન ૧.૪૬ લાખ કરોડ રૃપિયા રહ્યું હતું.