મધ્યમવર્ગને મોંઘવારીનો મારઃ કપાસિયા અને સિંગતેલના ભાવમાં થયો વધારો, જાણો હવે એક ડબ્બો કેટલામાં મળશે
ખોરાકની ઊંચી કિંમત, તેમજ મોંઘા ઇંધણ અને કપડાં અને ફૂટવેર જેવી ઉત્પાદિત ચીજવસ્તુઓએ માર્ચ 2022માં ભારતના છૂટક ફુગાવાને 17 મહિનાની ઊંચી સપાટીએ ધકેલી દીધો હતો.
મધ્યમવર્ગને વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે. LPG બાદ સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ફરી વધારો થયો છે. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં 20 રૂપિયાનો વધારો થયો છે. જેથી સિંગતેલના ડબ્બાનો ભાવ જે 2 હજાર 710 રૂપિયા હતો. તે હવે 2 હજાર 730 રૂપિયા થયો છે. તો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2 હજાર 580 રૂપિયા હતો. જે હવે 2600 રૂપિયા પર પહોંચ્યો છે. લગ્નોની શરૂઆત થવાની સાથે જ ખાદ્યતેલમાં ભાવ વધારો થતા લોકોને મોંઘવારીનો માર પડ્યો છે.
મોંઘવારી આસમાને
દેશમાં મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે. સામાન્ય લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે. પેટ્રોલ-ડીઝલથી લઈને ફળ-શાકભાજીના ભાવ આસમાને છે. ખાદ્યતેલના ભાવમાં સતત થઈ રહેલા વધારાના કારણે રસોડાના બજેટને ઘણી અસર થઈ છે. એલપીજીના ભાવ પણ વધી ગયા છે જેના કારણે ગેસ સિલિન્ડર ખરીદવું મુશ્કેલ બની રહ્યું છે. ઘઉં, ચોખા, લોટ, કઠોળ અને તેલના ભાવમાં પાછલા મહિનાની સરખામણીમાં નોંધપાત્ર વધારો થયો છે.
છેલ્લા એક મહિનાની સરખામણીમાં પેટ્રોલના ભાવમાં લગભગ 10 ટકાનો વધારો જોવા મળ્યો છે. ડીઝલના ભાવમાં પણ પાછલા મહિનાની સરખામણીએ 12 ટકાનો વધારો થયો છે. જ્યારે એલપીજીના ભાવમાં પાછલા મહિનાની સરખામણીમાં લગભગ 6 ટકાનો વધારો થયો છે.
ભારતનો છૂટક ફુગાવો માર્ચમાં 7 ટકાની નજીક 17 મહિનાની ટોચે પહોંચ્યો હતો
ખોરાકની ઊંચી કિંમત, તેમજ મોંઘા ઇંધણ અને કપડાં અને ફૂટવેર જેવી ઉત્પાદિત ચીજવસ્તુઓએ માર્ચ 2022માં ભારતના છૂટક ફુગાવાને 17 મહિનાની ઊંચી સપાટીએ ધકેલી દીધો હતો. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા મંગળવારે રજૂ કરાયેલા ડેટા અનુસાર, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) ફેબ્રુઆરી 2022માં 6.07 ટકાથી વધીને ગયા મહિને 6.95 ટકા થઈ ગયો છે. એ જ રીતે, વાર્ષિક ધોરણે, ગયા મહિને છૂટક ફુગાવો માર્ચ 2021 માં નોંધાયેલા ભાવમાં 5.52 ટકાના વધારા કરતાં વધુ ઝડપી દરે વધ્યો હતો. આ વલણ મહત્ત્વનું ધારે છે કારણ કે રિટેલ ફુગાવો ભારતીય રિઝર્વ બેંકની લક્ષ્યાંક શ્રેણી કરતાં વધુ રહ્યો છે, જે 2-6 ટકાના CPI લક્ષ્યાંક ધરાવે છે.